ડાંગ: ડાંગ જિલ્લા RTO કચેરી દ્વારા પહાડી વિસ્તારમાં વાહન ચલાવવા અંગેની માર્ગદર્શિકા જારી કરાઈ છે. વાહન ચાલકોને પહાડો ઉપર વાહન ચલાવવું ખૂબ જ મુશ્કેલ હોય છે, અને તે અનુભવી વાહનચાલકો દ્વારા જ થવું જોઈએ. જેથી ડાંગ જિલ્લાની જટીલ ભૌગોલીક સ્થિતિને ધ્યાને લઇને તે મેદાન પર વાહન ચલાવવા કરતાં અલગ હોય છે. પહાડી વિસ્તારમાં માર્ગો અલગ રીતે ડિઝાઈન કરેલા હોય છે. તેમાં સંખ્યાબંધ વળાંકોને લીધે વાહનચાલકની દ્રષ્ટિ મર્યાદીત હોય છે, અને વાહનચાલકે વાહનને વધુ પડતું વાળવું પડતું હોવાને કારણે વધુ થાકે છે.
પહાડો ઉપર વાહન ચલાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો:
- જો તમે અનુભવી વાહનચાલક ન હોવ તો, પહાડી માર્ગો પર વાહન ચલાવશો નહીં.
- હંમેશા ઝડપની મર્યાદા અનુસરો અને વળાંક પર ઝડપ ઘટાડો.
- હંમેશાં સાવધ રહો અને ધ્યાન વિચલિત કરે એવા કાર સ્ટીરીઓ વગેરેને ટાળો.
- હંમેશાં પહાડ ઉપર જતા ટ્રાફિકને માર્ગ આપીને તેમને પ્રાધાન્ય આપો.
- આલ્કોહોલ પીધા પછી ક્યારેય પહાડ પર વાહન ચલાવશો નહી.
- વળાંકો અને પુલો પર ઓવરટેક કરશો નહીં
- વાહનને ઓવરલોડ કરશો નહીં.
- વળાંકો અને હેરપિન બેન્ડ્સ પર ક્લચ પેડલ્સનો ઉપયોગ કરવાનું ટાળો.
- પહાડથી ઉતરતી વખતે વાહનને ન્યુટ્રલ પર ચલાવશો નહીં,
- હંમેશાં વળાંક પર હોર્ન વગાડો.
- પહાડની સફર શરૂ કરો તે પહેલા હંમેશાં વાહનની તપાસ કરો, ખાસ કરીને બ્રેક્સ અને ટાયર્સની.