દમણ: કોસ્ટગાર્ડના જવાનોએ હેલિકોપ્ટર મારફતે દરિયામાં બોટ સાથે ફસાયેલ 5 માછીમારોનું રેસ્ક્યૂ કરી નવજીવન આપ્યું છે. જેમાં બે પ્રયાસના અંતે પાંચેય માછીમારોને સુરક્ષિત કાંઠે લાવવામાં આવ્યા હતાં. ઘટના અંગે મળતી વિગતો મુજબ જાણવા મળે છે કે, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને 20°08'N, 072°40'E (232) પર સ્થિત ફિશિંગ બોટ IF ભક્તિ સાઇમાં ટેક્નિકલ ક્ષતિ સર્જાતા બોટમાં દરિયાનું પાણી ભરાવવાનું શરૂ થયું હતું. જે બાદ દમણ પોલીસ કંટ્રોલ રૂમ તરફથી માહિતી મળતા દમણ કોસ્ટગાર્ડની ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.
આ ઘટના વલસાડ જિલ્લાના ઉમરગામના અરબસાગરની છે. જેમાં કોસ્ટગાર્ડની ટીમે હેલિકોપ્ટરથી બોટ જ્યાં ફસાઈ હતી ત્યાં પહોંચી બોટમાં ફસાયેલ 5 માછીમારો પૈકી 3ને એરલીફ્ટ કર્યા હતાં. ત્યારબાદ મહારાષ્ટ્રના બોરડી બીચ ઉપર સુરક્ષિત ઉતારી અન્ય 2 માછીમારોને પણ રેસ્ક્યૂ કરી દમણ કોસગાર્ડ સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતાં.
કેવી રીતે સર્જાઇ સંપૂર્ણ ઘટના: જાણવા મળતી વિગતો અનુસાર, વલસાડના ઉમરગામ દરિયામાં માછીમારી કરવા આવેલી ભક્તિ સાઈ બોટમાં ટેક્નિકલ ક્ષતિ સર્જાઈ હતી. ટેક્નિકલ ક્ષતિથી બોટમાં સવાર 5 માછીમારોએ તાત્કાલિક બોટમાં આવેલી ટેક્નિકલ ક્ષતિ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટેક્નિકલ ક્ષતિ દૂર ન થતા દમણ પોલીસ કંટ્રોલ રૂમની મદદ માંગવામાં આવી હતી. દમણ પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા દમણ કોસગાર્ડની ટીમને ઘટનાની જાણ કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, દમણ કોસગાર્ડની ટીમે ભક્તિ સાઈ બોટમાં ફસાયેલા લોકોને બચાવવા હેલિકોપ્ટર સાથે રેસ્ક્યુ ટીમને રવાના કરી હતી. જેઓએ 2 ફેરા મારી પાંચેય માછીમારોનું રેસ્ક્યૂ કર્યું હતું.
આ પણ વાંચો: