ખેડા : સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે દિવાળી પર્વની ભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવી રહી છે. મંદિરમાં દિવાળી નિમિત્તે હાટડી દર્શન યોજાયા હતા. તેમજ ભગવાનના ચોપડાનું પૂજન કરવામાં આવ્યું હતું. રાત્રે રાજાધિરાજ રણછોડરાયજી મહારાજ વેપારી બન્યા હતા. હાટડી ભરી શેઠ બની ડાકોરના ઠાકોરે ભક્તોની હૂંડી સ્વીકારી હતી. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાટડી દર્શન કરી ભગવાનને હૂંડી લખાવી ધન્યતા અનુભવી હતી.
ભગવાનને વિશેષ શણગાર : ડાકોર રણછોડરાયજી મંદિરમાં દિવાળી પર્વના પાંચ દિવસ દરમિયાન ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવે છે. ભગવાન અલગ અલગ મનમોહક સ્વરૂપે દર્શન આપે છે.
ભગવાનના ચોપડાનું પૂજન : દિવાળી પર્વ પર મંદિરમાં ભગવાનના ચોપડાનું પૂજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત તેમજ વેદોક્ત રીતે ચોપડાની પૂજા વિધિ સોનાની પેન અને ચાંદીના શાહીના ખડીયા તેમજ ચોપડાને કકું, ચોખા, અબીલ-ગુલાલ તેમજ નૈવેદ્ય કરી કપુર આરતીથી પરંપરાગત રીતે મેનેજર દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું. મંદિરમાં આ પરંપરા છેલ્લા 187 વર્ષોથી ચાલી આવી છે.
ડાકોરના ઠાકોર બન્યા વેપારી : દિવાળીના દિવસે રાત્રે રાજાધિરાજ ભગવાન રણછોડરાયજીના હાટડી દર્શન યોજાયા હતા. જેમાં રણછોડરાયજીએ વેપારી બની હાટડી ભરી ભક્તોની હૂંડી સ્વીકારી પોતાના ચોપડામાં તેની નોંધ કરી હતી. ભાવિકોએ મોટી સંખ્યામાં રણછોડરાયજીના દર્શનનો લાભ લઇ ભગવાનને પોતાની હૂંડી લખાવી ધન્યતા અનુભવી હતી. પ્રાચીન સમયથી પરંપરાગત રીતે મંદિરમાં હાટડી દર્શન યોજવામાં આવે છે. જેના દર્શનનો ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો લાભ લેતા હોય છે.
ભાવિકોએ હૂંડી લખાવી : દિવાળીએ રાજાધિરાજ વેપારીનું સ્વરૂપ લે છે. ભગવાન વિવિધ વસ્તુઓ લઈને બેસે છે. ભાવિકો ભગવાનને હૂંડી લખાવે છે. દિવાળીની બોણી લખાવે છે, જે ભગવાન સ્વીકારે છે. જેનાથી મનોકામના પૂર્ણ થાય છે. વેપારીનુ સ્વરૂપ લેવાનું કારણ એ છે કે દિવાળીની બોણી લખવાથી ધંધો રોજગાર સારો ચાલતો હોય છે તેવી માન્યતા છે.