દાહોદ: જિલ્લાના ઝાલોદ તાલુકાની ખરસાણા પ્રાથમિક શાળાની ધોરણ 4-બ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીના પરિણામ પત્રકમાં કુલ માર્ક્સ કરતા વધુ માર્ક્સ અપાયા છે. વાર્ષિક મૂલ્યાંકન વિષયવાર 200 ગુણ હોવા છતાં બે વિષય માં 211, 212 જેટલાં વધુ ગુણ આપી દેવાની બેદરકારી સામે આવી છે.
કુલ ગુણ કરતાં મેળવેલ ગુણ વધુઃ ઝાલોદ તાલુકાના ખરસાણા ગામે મુખ્ય પ્રાથમિક શાળામાં કટારા વંશી મનીષભાઈ ધોરણ 4 વર્ગ બમાં અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીનીને કુલ કરતાં મેળવેલ ગુણ વધુ અપાયા છે. ગુજરાતીમાં કુલ 200માંથી 211 તથા ગણિતમાં 200માંથી 212 ગુણ આપવામાં આવ્યા છે. આ ગુણને લીધે વિદ્યાર્થીની, વાલી સહિત ગ્રામ્યજનો પણ આશ્ચર્યમાં મુકાયા છે. વાર્ષિક પરિણામની અંદર મોટો છબરડો જોવા મળતા અનેક સવાલો ઊભા થયા છે.
સોશિયલ મીડિયામાં વાયરલઃ આ છબરડાવાળી માર્કશીટના ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જતા દાહોદ જિલ્લામાં શિક્ષણ આપતા શિક્ષકો પર કટાક્ષોનો મારો પણ જોવા મળ્યો હતો. આ ઘટનાની નોંધ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા લેવાઈ હતી અને વિદ્યાર્થીનીની માર્કશીટમાં સુધારો કરીને નવી માર્કશીટ બનાવી આપવામાં આવી હતી.
પરિણામના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ મુદ્દે પ્રિન્સિપાલ સાથે વાત થઈ છે. ગુજરાતી અને ગણિત વિષયમાં કોપી પેસ્ટના કારણે ભૂલ થવાનું શિક્ષકે સ્વીકાર્યુ છે. વાલીને નવું રિઝલ્ટ બનાવીએને આપી દેવામાં આવ્યું છે. તેમ છતાં કયા કારણોસર આ થયું તે તપાસ ચાલી રહી છે અને જરુરી રિપોર્ટ ઉપલી કક્ષાએ કરવામાં આવશે...અતુલભાઈ ભાભોર(તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, ઝાલોદ)
પરિણામ પત્રક વર્ગ શિક્ષક દ્વારા બનાવવામાં આવ્યું હતું. કોઈ ક્ષતિ કે ભૂલ નથી પરંતુ પરિણામ કોમ્પ્યુટરમાં બનાવતા ઈન્ટરનલ 20 માર્ક કોપી પેસ્ટ થઈ જતા તેમાં 40નો વધારો થઈ જતા આવું બન્યું છે. વર્ગ શિક્ષકને નોટિસ આપી તેમનો ખુલાસો પણ લઈ લીધો છે...માનસિંગભાઈ(આચાર્ય, ખરસાણા પ્રાથમિક શાળા, ઝાલોદ)