દાહોદ: લોકસભા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીને શારીરિક અને માનસિક તથા જાનથી મારી નાખવાની ધમકી આપી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદ નિનામા તથા લીગલ સેલ ના વ્રજ શાહના તથા દાહોદ શહેર પ્રમુખ આસિફ સૈયદ દાહોદના માજી સંસદસભ્ય પ્રભાબેન તાવિયાડ દાહોદના માજી ધારાસભ્ય વજેસિંગભાઈ પણદા, માજી ધારાસભ્ય ગરબાડાના ચંદ્રિકાબેન બારીયા સાથે દાહોદ કોંગ્રેસના કાર્યકર્તાઓ તથા પ્રજાજન ઉપસ્થિત રહી દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન એ આવેદનપત્ર આપી ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગ કરી હતી.
જેમાં દાહોદ કોંગ્રેસ સમિતિ ના લીગલ સેલના એડવોકેટ વ્રજ શાહ એ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના નેતા તરવિન્દર સિંહ મારવાહે ગત તારીખ ૧૧-૯-૨૦૨૪ ના રોજ, ભાજપના એક કાર્યક્રમમાં આપણાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે "રાહુલ ગાંધી બાઝ આજા, નહીં તો આને વાલે ટાઈમ મેં તેરા ભી વહી હાલ હોગા જો તેરી દાદી કા હુઆ" (શ્રીમતી ઈન્દિરા ગાંધીની જેમ હત્યા). તથા સંજય ગાયકવાડ, ધારાસભ્ય, શિદે સેના (મહારાષ્ટ્રમાં ભાજપની સહયોગી પાર્ટીના તારીખ - ૧૬-૯-૨૦૨૪ના રોજ જાહેરમાં રું. ૧૧ લાખ (રૂપિયા અગિયાર લાખ પૂરા) ના ઈનામની જાહેરાત કરી. જે કોઈ વિપક્ષના નેતા રાહુલ ગાંધીની જીભ કાપશે તેને રું. ૧૧ લાખ ઈનામ આપીશ તેવું નિવેદન જાહેર કરાયું હતું.
રેલ્વે રાજ્ય મંત્રી રવનીત બિટ્ટુએ ગત તા. ૧૫-૯-૨૦૨૪ના રોજ, મીડિયા સાથે જાહેરમાં વાત કરતી વખતે રાહુલ ગાંધીને 'દેશના નંબર - ૧ આતંકવાદી કહ્યા હતાં. બિટ્ટુએ હિંસા ભડકાવવા અને શાંતિ ભંગ કરવાના ઉદ્દેશ્ય સાથે ગાંધી વિરુદ્ધ જાહેરમાં નફરત અને આક્રોશ ભડકાવવા માટે જાણી જોઈને આ પ્રકારનું ભડકાઉ નિવેદન આપ્યું હતું. એ જ રીતે, તા. ૧૬-૯-૨૦૨૪ના રોજ ભારતીય જનતા પાર્ટીના નેતા અને ઉત્તર પ્રદેશના મંત્રી રઘુરાજ સિંહે પણ જાહેરમાં કહ્યું રાહુલ ગાંધી 'ભારતના નંબર વન આતંકવાદી' છે. જેને લઇને રાહુલ ગાંધીને જાનને જોખમ લાગતા તથાહિંસા ભડકાવવા અને શાંતિ ભંગ કરવાના ઉદ્દેશ્ય કરનારા 4 લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ સાથે આજે દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યુ હતું.