જૂનાગઢ: સુત્રાપાડા પોલીસ મથકમાં મદદગારીના આરોપસર લવાયેલા જાફરાબાદ તાલુકાના ભટ્ટવદર ગામના નરેશ જાળીયા નામના આરોપીનું કસ્ટડીમાં મોત થતા મામલો કસ્ટોડિયલ મોતમાં પરિણમ્યો છે. પરિવારજનોએ પોલીસ પર મારનો આરોપ લગાવ્યો છે. સોમનાથ પોલીસ સમગ્ર મામલામાં આરોપી દ્વારા પોતાની જાતને ઈજા પહોંચાડી હોવાની વાત કરી રહી છે. તેની વચ્ચે મૃતક આરોપીનો મૃતદેહ આજે રાજુલા ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યારે મૃતદેહને પરિવારજનો સ્વીકારવાની ના પાડી રહ્યા છે.
સુત્રાપાડા પોલીસ મથકમાં આરોપીનું મોત: પોલીસ મથકમાં આરોપીનું મોત થતા મામલો કસ્ટડીયલ મોતમાં પરિણમ્યો છે. સમગ્ર મામલામાં સુત્રાપાડા તાલુકામાં પોલીસ મથકમાં આવેલી ફરિયાદ અનુસાર એક દીકરીને ભગાડી જવામાં અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ભટવદર ગામના આરોપી નરેશ જાળીયાની સંડોવણી હોવાની શંકાને આધારે સુત્રાપાડા પોલીસે નાગેશ્રી પોલીસની મદદથી આરોપીને પકડીને પોલીસ મથકમાં લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન તેને કોઈ ગંભીર ઈજા થતાં વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત થતાં સમગ્ર મામલો કસ્ટોડિયલ મોતમાં પરિણમ્યો છે જેને કારણે મૃતકના પરિવારજનો દ્વારા મૃતદેહ નહીં સ્વીકારવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
પોલીસ કસ્ટડીમાં પોતાની ઈજાથી મોત: આરોપીને સુત્રાપાડા પોલીસે મથકમાં યુવતી ને ભગાડી જવાના ગુનામાં મદદગારી માટે લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસ કસ્ટડીમાં તેમણે તેનું માથું લોખંડના રોડ સાથે અથડાવીને પોતાને ઈજા કરી છે જેને કારણે તેનું મોત થયું હોવાની શક્યતા સોમનાથ પોલીસે વ્યક્ત કરી છે. પોલીસ કસ્ટડીમાં લોખંડના રોડ સાથે માથું અથડાવીને ઇજાગ્રસ્ત બન્યા બાદ આરોપીને પ્રથમ સુત્રાપાડા ત્યાર બાદ વેરાવળ રાજકોટ અને અંતે અમદાવાદ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યો હતો. જ્યાં તેનુ ટૂંકી સારવાર દરમિયાન મોત થતા સમગ્ર મામલો કસ્ટોડિયલ મોતમાં પરિણમ્યો છે.
પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર: હાલ મૃતક આરોપીનો મૃતદેહ અમદાવાદથી તેના વતન રાજુલા લાવવામાં આવી રહ્યો છે ત્યારે પરિવારજનો પાસેથી મળતી માહિતી અનુસાર જ્યાં સુધી પોલીસ કર્મચારી કે અધિકારીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી ન થાય ત્યાં સુધી નરેશ જાળીયાના મૃતદેહનો સ્વીકાર ન કરવાને લઈને પણ હવે પરિવારજનો ચિમકી આપી રહ્યા છે ત્યારે સમગ્ર મામલો હવે રાજકીય રીતે પણ જોર પકડતો જોવા મળશે.