બનાસકાંઠા: જિલ્લાના સુપ્રસિદ્ધ અને મીની દ્વારકા નામથી ઓળખાતા વાવ તાલુકાના સરહદે આવેલા યાત્રાધામ ઢીમાની અંદર આજે ગુરુપૂર્ણિમાના દિવસે યાત્રાળઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. યાત્રાધામમાં બિરાજમાન શ્રી ધરણીધર ભગવાનનું વર્ષો જૂનું ધામ છે. જેની આસ્થા આજે પણ અંકબંધ જોવા મળી રહી છે.
યાત્રાધામ ઢીમા વિશે લોકવાયકા: દેશ વિદેશોમાં પ્રચલિત થયેલા યાત્રાધામ ઢીમાના નામથી યાત્રાધામનો ડંકો વાગી રહ્યો છે. ત્યારે આ યાત્રાધામની અંદર ચારધામની યાત્રા કર્યા પછી પણ જો દાદાના ચરણોમાં શીશ ઝૂકાવવામાં ન આવે ત્યાં સુધી જાત્રા પણ અધૂરી માનવામાં આવે છે. તેવી લોકવાયકા આજે પણ સાંભળવા મળી રહે છે.આજે ગુરુપૂર્ણિમાના દિવસે સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા જાણે ભક્તોથી હિલોળે ચડી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા.
વહેલી સવારે ભક્તોનું ઘોડાપૂર: ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુના આશીર્વાદ લઈ અને દાદાના ચરણોના સાનિધ્યમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા ખાતે મોટી સંખ્યામાં ભક્તોએ ધણીધર ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી છે. જોકે સવારમાં વહેલા છ વાગ્યાથી લઈને ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ધરણીધર ભગવાનના દર્શન માટે મંદિરમાં લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી.