બારડોલી: રખડતા ઢોરને કારણે બારડોલીમાં વધુ એક વ્યક્તિનું મોત થતાં નગરપાલિકા તંત્ર દોડતું થઈ ગયું હતું. જે.એમ.પટેલ હાઈસ્કૂલ પાસે એક ગાયે પિતા-પુત્રને અડફેટમાં લીધા હતા. ત્યારબાદ ગાયે પિતાને હવામાં ફંગોળી નીચે પટકતા તેમનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે પુત્રને ગંભીર ઇજા થઈ હોય તેને સારવાર અર્થે બારડોલીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ઢોરનો આતંક યથાવત: બારડોલી નગરપાલિકામાં રખડતા ઢોરનો આતંક યથાવત છે. હાઇકોર્ટે રખડતા ઢોર બાબતે માર્ગદર્શિકા જાહેર કરી હોવા છતાં તેનું પાલિકા દ્વારા કોઈ પાલન કરવામાં આવી રહ્યું નથી. અને સરેઆમ રોડ પર ઢોર રખડી રહ્યા છે. જેના કારણે અનેક અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે. શનિવારે સવારે 10.30 વાગ્યે બારડોલીની જે.એમ. પટેલ હાઈસ્કૂલ પાસે ખમણ ખાવા ગયેલા રાજુભાઈ બુધાભાઈ રાઠોડ(ઉ.વ.41) અને તેના પુત્ર જૈમિન (રહે કુંભાર ફળિયા, બારડોલી)ને તોફાની બનેલી ગાયે અડફેટમાં લીધા હતા. પહેલા પિતા રાજુભાઈ પર હુમલો કર્યો હતો ત્યારબાદ બચાવવા વચ્ચે પડેલા પુત્ર જૈમિનને ચપેટમાં લઈ ઇજા પહોંચાડી હતી. આ દરમ્યાન નીચે પડેલા પિતા ઊભા થઈને ફરી પુત્રને બચાવવા જતાં ગાયે પુત્રને છોડીને પિતાને ઊંચકીને હવામાં ફંગોળી નીચે પટક્યા હતા.
પિતાને મૃત જાહેર કર્યા: સ્થાનિકોએ બૂમાબૂમ કરી લાકડા અને પથ્થરથી ગાયને ખસેડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગાય પર તેની કોઈ અસર થઈ ન હતી. બાદમાં ગાય દૂર જતી રહેતા સ્થાનિકો પિતા પુત્રને સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે પિતા રાજુભાઈને મૃત જાહેર કર્યા હતા. જ્યારે જૈમિનની સારવાર ચાલી રહી છે.
ગત વર્ષે એક મહિલાનું મોત થયું હતું: ગત સપ્ટેમ્બર 2023માં કાલિકા ચોક વિસ્તારમાં ગાયે માજી નગરસેવકની પત્ની ગુલાબબેન મંગુભાઈ રાઠોડ (ઉ.વ.65) સહિત ચાર જણાને અડફેટમાં લીધા હતા. ગંભીર ઇજા પામેલા ગુલાબબેનનું સારવાર દરમ્યાન હોસ્પિટલમાં મોત થયું હતું. જો કે આ ઘટના બાદ પણ પાલિકાની કામગીરીમાં સુધારો થયો ન હતો. હાઇકોર્ટની માર્ગદર્શિકા હોવા છતાં તેનો પાલિકા દ્વારા સરેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે પાલિકાની બેદરકારીને કારણે વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવતાં લોકોમાં પાલિકા સામે સખત રોષ જોવા મળી રહ્યો છે.
બારડોલી નગરપાલિકાની ટીમે ગાયને પકડી પાંજરે પૂરી: ઘટના બાદ બારડોલી નગર પાલિકાની ટીમે તુરત વિફરેલી ગાયને પકડવા ટીમ કામે લગાડી હતી અને ગાયને પકડી લીધી હતી. ત્યારે અવાર નવાર મોટી ઘટના બને ત્યારે જાગતી બારડોલી નગર પાલિકા કાયમી આ ત્રાસમાંથી લોકોને છુટકારો અપાવે એ હાલ જરૂરી બન્યું છે.