નવી દિલ્હી: રાઉઝ એવન્યુ કોર્ટે એક્સાઈઝ સ્કેમના આરોપી અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને રાહત આપી છે. જેમાં સિસોદિયા તેમની બીમાર પત્નીને મળી શકે તે માટે અઠવાડિયામાં એક દિવસ માટે કસ્ટોડિયલ પેરોલ મંજૂર કરાયા છે. ન્યાયાધીશ એમ.કે. નાગપાલે આ પેરોલના આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે, સિસોદિયા અઠવાડિયામાં એકવાર પોલીસ કસ્ટડીમાં અને ડૉક્ટરની હાજરીમાં તેમની બીમાર પત્નીને મળી શકશે. કોર્ટે સિસોદિયા જામીન અરજી પર 12 ફેબ્રુઆરીએ સુનાવણી કરવાનું નક્કી કર્યુ છે.
સોમવારે રાઉઝ એવન્યૂ કોર્ટે એક્સાઈઝ સ્કેમ સંદર્ભે CBI દ્વારા કરવામાં આવેલ કેસમાં સિસોદિયાની જ્યૂડિશિયલ કસ્ટડી 22 ફેબ્રુઆરી સુધી લંબાવવાનો હુકમ કર્યો છે. સિસોદિયા તેમની બીમાર પત્નીને મળી શકે તે માટે અઠવાડિયામાં 2 દિવસની કસ્ટોડિયલ પેરોલ માટે અરજી કરી હતી. તેમની પત્ની ઘણા સમયથી બીમાર છે. કોર્ટે નવેમ્બર 2023માં સિસોદિયાને તેની પત્નીને થોડા કલાકો માટે મળવાની મંજૂરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે મનીષ સિસોદિયાની CBI દ્વારા 26 ફેબ્રુઆરી 2023ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. CBIએ 25 નવેમ્બર 2022ના રોજ પ્રથમ ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટે અગાઉ 15 ડિસેમ્બર, 2022ના રોજ ચાર્જશીટની નોંધ લીધી હતી. કોર્ટે આરોપીઓ સામે આઈપીસીની કલમ 120 B અને એન્ટિ કરપ્શનની કલમ 7, 7A અને 8 હેઠળ આરોપો નક્કી કર્યા હતા. પ્રથમ ચાર્જશીટમાં કોર્ટે કુલદીપ સિંહ, નરેન્દ્ર સિંહ, વિજય નાયર, અભિષેક બોઈનપલ્લી, અરુણ રામચંદ્ર પિલ્લઈ, મુથુ ગૌતમ અને સમીર મહેન્દ્રુને આરોપીઓના નામનો સમાવેશ કર્યો છે.