જુનાગઢ : આજે વિશ્વ ગ્રાહક સુરક્ષા અધિકારીતા દિવસ મનાવવામાં આવે છે. વિશ્વના મોટાભાગના દેશોમાં ગ્રાહકોના હિતોને રક્ષણ મળે તે માટે ગ્રાહક લક્ષી કાયદાઓ અમલમાં હતા. પરંતુ ભારતમાં વર્ષ 1985 માં પ્રથમ વખત ગ્રાહકોની સુરક્ષાને ધ્યાને રાખીને ગ્રાહક સુરક્ષા અધિનિયમ લાગુ કરવામાં આવ્યો ત્યાર બાદ ક્રમબદ્ધ રીતે દેશના તમામ જિલ્લાઓમાં ગ્રાહક સુરક્ષા અદાલતો સ્થાપવામાં આવી છે. જેના થકી દેશના અનેક ગ્રાહકોએ તેમને થયેલી છેતરપિંડી કે નુકસાનનું વળતર કરતો દાવો ગ્રાહક સુરક્ષા કોર્ટમાં રજૂ કરીને વળતર પણ પ્રાપ્ત કર્યું છે.
એકદમ મામુલી ફીથી દાવો : કોઈપણ ગ્રાહક ગ્રાહક સુરક્ષા અદાલતમાં એકદમ મામૂલી ફી સાથે પોતાને થયેલી નુકસાનીના વળતરનો દાવો કરી શકે છે. વધુમાં ગ્રાહક સુરક્ષા અદાલતોમાં છ મહિનાની અંદર કોઈ પણ કેસનો નિકાલ કરવામાં આવે છે. જેથી અહીં ચુકાદો પણ ખૂબ ઝડપથી મળે છે. એક માત્ર કોઈ પણ વ્યક્તિના સોગંદનામાં આધારિત ગ્રાહક સુરક્ષા કોર્ટમાં કોઈ પણ છેતરપિંડીનો ભોગ બનેલો ગ્રાહક દાવો કરી શકે છે. થોડા વર્ષો પૂર્વે એક મહિલાએ જુનાગઢ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં સાડીમાંથી કલર નીકળવા જેવી બાબતને લઈને વળતર માગ્યું હતું. જેમાં કોટે આ મહિલાને 600 રુપિયાની સાડીના બદલામાં 6,000 જેટલું વળતર ચૂકવવાનો આદેશ સાડી બનાવતી કંપનીને કર્યો હતો. ગ્રાહક સુરક્ષા અધિનિયમ આ ચુકાદાથી કેટલો મજબૂત રીતે ગ્રાહકોના હિતમાં કામ કરે છે તે સ્પષ્ટ થાય છે.
પૈસા આપીને મેળવાતી સવલત ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ : કોઈપણ વ્યક્તિ આર્થિક ચુકવણું કરીને કોઈ સેવા કે સુવિધાઓ પ્રાપ્ત કરે છે, તેને ગ્રાહક સુરક્ષા અધિનિયમ અંતર્ગત સામેલ કરવામાં આવે છે. જેમાં ખાદ્ય ચીજ વસ્તુઓની સાથે દવા હોસ્પિટલ વિમાન અને અન્ય પ્રવાસનની ટિકિટો સાથે કોઈપણ વ્યક્તિએ ખર્ચ કરીને મેળવેલી કોઈપણ સુવિધાઓ ગ્રાહક સુરક્ષા અધિનિયમ અંતર્ગત આવે છે. કોઈપણ વ્યક્તિએ રોકાણ કરીને પ્રાપ્ત કરેલી સવલતોમાં જો તેમને છેતરપિંડી થયાનો અહેસાસ થાય અથવા તો તેમણે જે રોકાણ કરેલું છે તેના બદલામાં મળેલી સુવિધાઓ ખૂબ ઓછી છે અથવા તો તે નિમ્ન કક્ષાની છે તેને લઈને ગ્રાહક સુરક્ષા કોર્ટમાં કોઈપણ વ્યક્તિ દાવો કરીને તેમને મળેલી સુવિધા કે વસ્તુનુ વળતર માંગી શકે છે. ગ્રાહક સુરક્ષા કોર્ટે ગ્રાહકોના વિશાળ હિતને ધ્યાને રાખીને અનેક ચુકાદાઓ આપ્યા છે. કેટલાક ચુકાદાઓમાં ગ્રાહકો ખોટા પણ ઠર્યા છે, આવી સ્થિતિમાં કંપનીને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તેવા ચુકાદાઓ પણ ગ્રાહક સુરક્ષા કોર્ટે આપ્યા છે.