વલસાડ: ધરમપુર ખાતે કોંગ્રેસ મહાસચિવના કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવેલા શકિતસિંહ ગોહિલે કહ્યું કે, ભાજપ જ્યારથી સત્તામાં આવી છે ત્યારથી પાર્ટીનું અભિમાન વધી ગયું છે. પણ ગુજરાતના રામની સેના જેવા લોકો ભાજપનો અહંકાર તોડશે. ભાજપ પક્ષ એવું સમજે છે કે તમામ મતદાતાઓ તેમના ખિસ્સામાં છે. પરંતુ લોકશાહીમાં ક્યારેય એવું હોતું નથી લોકશાહીમાં મતદાતા સર્વોપરી છે ના કે કોઈ શખ્સ કે ના કોઈ પક્ષ.
10 વર્ષના કામોના આધારે મતો માંગવા જોઈએ: શક્તિસિંહે જણાવ્યું કે, ચૂંટણી દરમિયાન કોઈપણ પક્ષ હોય તેમણે પોતાના ભૂતકાળના વર્ષોમાં કરેલા કામના આધારે મતદારો પાસે જઈ નતમસ્તકે મતો માંગવા જોઈએ. છેલ્લા દસ વર્ષમાં કરેલા કામોને જોતા મતદાતાઓ તેમને મત આપશે. અને જો તેમણે કરેલા વાયદા પૂર્ણ ન કર્યા હોય તો ભાજપે મતદાતાઓ સામે માંગી લેવી જોઈએ કે તેમણે કરેલા વાયદાએ વાયદા નહીં પરંતુ જુમલા હતા.
ભાજપના રાજમાં મોંઘવારી વધી છે: શક્તિસિંહે જણાવ્યું કે, ભાજપ સત્તામાં આવે તે પૂર્વે ચૂંટણી સમયે કેટલાક વાયદાઓ કર્યા હતા. પરંતુ તે માત્ર જુમલા જ ફર્યા તેમણે વાયદા કર્યા હતા કે,
- વિદેશોમાંથી કાળુ ધન લાવવામાં આવશે.
- 15 લાખ રૂપિયા લોકોના એકાઉન્ટમાં જમા થશે.
- ખેડૂતોની આવક બમણી થશે.
- રાંધણ ગેસનો બાટલો 400 પાર પહોંચ્યો છે.
- પેટ્રોલ ડીઝલના ભાવો ઉંચા જઈ રહ્યા છે.
મંગલસૂત્ર અને એકસ-રે મશીન જેવા વિવાદ ઉપર બોલ્યા: તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર સભામાં એક સ્થળેથી કહ્યું હતું કે, કોંગ્રેસ સરકાર એક્સ-રે મશીન મૂકી તમારા ઘરની મહિલાઓના ગળામાં રાખેલું મંગલસૂત્ર શોધી અને લઈ લેશે આ મુદ્દે શક્તિસિંહએ જણાવ્યું કે, જે ગુજરાતમાં ગાંધીજી જન્મ લીધો હોય અને એ જ ગુજરાતના વડાપ્રધાન હોય ત્યારે લોકોની અપેક્ષા વધી જતી હોય કે વડાપ્રધાન સત્ય બોલે. ગાંધીજીએ શાલીનતા પણ શીખવાડી છે પરંતુ વડાપ્રધાને શાલીનતા ગુમાવી હોવાનું જણાય છે.
રૂપાલા વિવાદ બાબતે કહ્યું: પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ રાજપૂત સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા આ અંગે શક્તિસિંહે જણાવ્યું કે, અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટીએ ક્યારેય કોઈ પરિસ્થિતિમાં સંવાદ કર્યો નથી કોઈ પણ પરિસ્થિતિને અને મુશ્કેલીને હલ કરવી હોય તો સંવાદની જરૂર છે પરંતુ ભારતીય જનતા પાર્ટીએ સંવાદની જગ્યાએ સંઘર્ષ જ કર્યો છે જેના કારણે સ્થિતિ વણસી રહી છે. જ્યારે પણ લોકોનો અવાજ ઉઠ્યો છે ત્યારે સંવાદ નહીં પણ સંઘર્ષ કર્યો છે. પાટીદાર ભાઈઓએ આંદોલન કર્યું ત્યારે પણ સંવાદને બદલે સંઘર્ષ કર્યો અને 14 પાટીદાર યુવાનો શહીદ થયા પાટીદારોએ તો એટલું પણ કહી દીધું કે આ જનરલ ડાયર છે જુનાગઢમાં કોળી સમાજની દીકરીની હત્યા હોય કે ઉનામાં દલિત ભાઈ સાથે થયેલા અત્યાચાર હોય કે પછી ડુંગળી પકાવતા ખેડૂતો હોય આ તમામે જ્યારે ન્યાયની માંગ કરી તો તેમની સામે સંવાદ નહીં પરંતુ સંઘર્ષ કર્યો છે.
પ્રદેશ પ્રમુખે ભાજપ પાર્ટીને અહંકારી પાર્ટી ગણાવી: ગુજરાતના દરેક સમાજના પોતાના રજવાડા હતા. ભૂતકાળમાં ભૂમિ હોય, મહિલાઓ હોય કે અન્ય ચીજોની આબરૂ બચાવવા અનેક રજવાડાના લોકો શહીદ થયા છે અને તેમના પાળિયા આજે પણ તેમની ગવાહી આપી રહ્યા છે. ત્યારે ભાજપના નેતા દ્વારા બહેન દીકરી માટે કરવામાં આવેલા નિવેદન અંગે વિરોધ ઉઠ્યો છે અને લોકો ભાજપ સામે સવાલ ઉઠાવી રહ્યા છે. લોકોની એક જ માંગ છે કે, આવા ઉમેદવારને હટાવો પરંતુ સંવાદના સ્થાને ત્યાં પણ સંઘર્ષ કરાયો છે અને સમાજની આબરૂ પાડી દઈશું પાઘડી ઉડાડી દઈશું જેવા વિવાદિત નિવેદનો થઈ રહ્યા છે. હાલ તો રાજપૂત સમાજ ભાજપ સામે સવાલ ઉઠાવી રહ્યો છે. દરેક કાર્યક્રમમાં લોકો કાળા વાવટા ફરકાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, અહંકારથી બનેલી ભાજપને ગુજરાતની રામની સેના જેવા લોકો ચૂંટણીમાં મતદાન કરીને ઉખાડી ફેંકશે. આમ ગુજરાતના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પાર્ટીને અહંકારી પાર્ટી ગણાવી સાથે જ લોકોની સાથે સંવાદને બદલે સંઘર્ષ કરીને પાર્ટી અનેક વિવાદ ઊભા કરી રહી હોવાનું પણ આક્ષેપ કર્યો છે