કચ્છ: ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી માટે હિમાચલ પ્રદેશના મંડીની બેઠક પર ફિલ્મ અભિનેત્રી કંગના રણૌતને ટિકિટ આપવામાં આવી છે. કંગના રનૌતને ટિકિટ આપતાની સાથે જ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર તેને ટ્રોલ પણ કરવામાં આવી હતી. અભદ્ર ભાષામાં ટિપ્પણીઓ પણ કરવામાં આવી હતી. જેમાં કચ્છના કિસાન કોંગ્રેસના એચ.એસ આહીરે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરતા મુદ્દો રાષ્ટ્રીય સ્તરે પહોંચ્યો છે.
કિસાન કોંગ્રેસના અગ્રણી દ્વારા અભદ્ર ટિપ્પણી: ગુજરાત કિસાન કોંગ્રેસના જોઇન્ટ કો ઓર્ડીનેટર અને કચ્છના એચ.એસ આહીરે અભિનેત્રી કંગના રનૌત અંગે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરતા મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ગરમાયો છે. રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને ચુંટણી પંચ સમક્ષ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ફરિયાદ કરી છે. કંગના રનૌતને હિલચાલ પ્રદેશના મંડી બેઠક પર ટિકિટ મળી છે, ત્યારબાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર તેમના પર અભદ્ર ભાષામાં ટિપ્પણીઓ કરવામાં આવી હતી.
વિવાદ થતા પોસ્ટ ડિલીટ કરી : સોશિયલ મીડિયા પર કંગના રનૌતના ફોટા સાથે અભદ્ર ટિપ્પણીઓ થઈ રહી હતી. કચ્છ કિસાન કોંગ્રેસના હરેશ એસ. આહિરે પણ ટિપ્પણી કરતા વિવાદ શરૂ થયો હતો. તો કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે પણ કંગના અંગે અભદ્ર પોસ્ટ મુકી હતી. જેનો વિરોધ થતા કચ્છના એચ.એસ.આહીરે પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. જોકે X પર અનેક યુઝરે પણ આ બન્ને વ્યક્તિને ખુબ ટ્રોલ કર્યા હતા અને આવા શરમજનક વ્યવહાર બદલ રોષ પણ વ્યક્ત કર્યો હતો.
મહિલા આયોગ દ્વારા કડક કાર્યવાહીની માંગણી: ઉલ્લેખનીય છે કે સમગ્ર બાબતે ભાજપ અને મહિલા આયોગ આક્રમક બન્યા છે અને ચૂંટણી પંચ સમક્ષ આવી વાંધાજનક પોસ્ટ સામે કડક કાર્યવાહી કરવા ફરિયાદ કરી છે. અભિનેત્રી કંગના રનૌતે પણ આ પ્રકરણની ટિપ્પણીઓ જોઈને પોતાના સોશિયલ મીડિયા પર અપમાનજનક શબ્દો ટાળવા જોઈએ, દરેક સ્ત્રી સન્માનને હકદાર છે તેવું લખ્યું હતું.
આ બાબતે એચ.એસ.આહિરે શું કહ્યું: સમગ્ર બાબતે ઈટીવી ભારત દ્વારા એચ.એસ.આહિરનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સંપર્ક થઈ શક્યો ન હતો. તેમને પોતાના એકાઉન્ટ પર પોસ્ટ કર્યું હતું કે, તેમના એકાઉન્ટનો કોઈએ ઍક્સેસ લઈને તે પોસ્ટ મૂકી છે, જેવી તેમને જાણ થઈ ત્યારે જ તે પોસ્ટ ડિલીટ કરી નાખવામાં આવી હતી અને જણાવ્યું હતું કે, જે લોકો તેમને જાણે છે કે હું મહિલાઓ માટે ક્યારે પણ આવું ના બોલી શકું.