સુરત : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી જ નહીં પરંતુ ડમી ઉમેદવાર સુરેશ પડસાલા માટે પણ મુશ્કેલી વધી છે. કારણ કે બંનેના જે પણ ચાર ટેકેદારો છે તેમણે ચૂંટણી અધિકારી સમક્ષ એક એફિડેવિટ કરી છે. જેમાં તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ ઉમેદવારોના ઉમેદવારી ફોર્મમાં જે સહી કરવામાં આવી છે તે તેમની નથી, જેના કારણે સુરત કલેકટર કચેરી ખાતે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો.
ચૂંટણી પંચનો નિર્દેશ : આ મામલે સુરત કલેકટર કચેરી ખાતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ એકત્ર થઈ ગયા હતા. સુરત જિલ્લા ચૂંટણી પંચ દ્વારા કોંગ્રેસના બંને ઉમેદવારોને આ અંગે સ્પષ્ટતા કરવા માટે રવિવારે 11 વાગે હાજર રહેવા અને સાથે જ સુનાવણી માટે જણાવવામાં આવ્યું છે.
નિલેશ કુંભાણીનો દાવો : કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ જણાવ્યું હતું કે, ચૂંટણી અધિકારી દ્વારા અમને કાલે 11 વાગ્યા સુધીનો ટાઈમ આપવામાં આવ્યો છે. ડોક્યુમેન્ટ પૂરા કરી આ વખતે ચૂંટણી સો ટકા જીતવાના છે. ટેકેદારોનું અપહરણ થયું છે. ટેકેદારો આજ સુધીમાં સંપર્કમાં આવી જશે અને કાલે હાજર થઈ જશે.
ટેકેદારોનું અપરહણ થયું ? આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે, ટેકેદારોને બળજબરીથી અથવા તો ભયમાં મૂકીને ધાક-ધમકી આપીને અથવા તો જીવ જોખમમાં મૂકીને દબાણ ઊભું કરીને ટેકેદારો પાસેથી એફિડેવિટ લઇ કલેકટર કચેરીમાં જમા કરવામાં આવ્યું છે. ટેકેદારો કહેવા માંગે છે કે એફિડેવિટમાં તેમની સહી નથી. એટલે ચૂંટણી અધિકારીએ નિલેશભાઈ પાસેથી ખુલાસો માંગ્યો છે. ટેકેદારો સંપર્કમાં નથી, તેમનું અપહરણ કરવામાં આવ્યું છે. તે અંગે અમે ઉમરા પોલીસ મથકમાં અપહરણની અરજી પણ કરી છે.
નિલેશ કુંભાણીના વકીલનો દાવો : નિલેશ કુંભાણીના વકીલ ઝમીર શેખે જણાવ્યું હતું કે, ચૂંટણી અધિકારી દ્વારા અમને 11 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. અમે ટેકેદારોના સંદર્ભે ત્યાં સુનાવણીમાં હાજર રહીશું. માત્ર નિલેશ કુંભાણી જ નહીં પરંતુ તેમના ડમી ઉમેદવાર સુરેશભાઈ પડસાલાના પણ ટેકેદારો દ્વારા એફિડેવિટના માધ્યમથી જણાવવામાં આવ્યું છે કે એફિડેવિટમાં ટેકેદાર તરીકે તેમની સહી નથી.
આ ષડયંત્ર છે ! વકીલ ઝમીર શેખે વધુમાં જણાવ્યું હતું કે, આ ષડયંત્રના ભાગરૂપે કરવામાં આવ્યું છે. કારણ કે બંને ઉમેદવારના ચારેય ટેકેદારોએ એક સાથે અરજી કરી છે, એક જ જગ્યાએ એફિડેવિટ કરવામાં આવ્યા છે, એક સાથે એફિડેવિટ કરવામાં આવ્યા છે, જે ષડયંત્ર છે. અમે કાલે સુનાવણીમાં પોતાની વાત મુકીશું. આવનાર 24 કલાક અમારી માટે ક્રિટિકલ છે.