જૂનાગઢ: વંથલી નજીક આવેલા ગાદોઈ ટોલ બુથ પર કોડીનારના પી.આઇ. ભોજાણી દ્વારા ટોલ બુથના કર્મચારીઓ સાથે ઝપાઝપી અને માથાકૂટ કરીને મારામારી કરવાની પોલીસ ફરિયાદ વંથલી પોલીસ મથકમાં નોંધાતા જૂનાગઢ પોલીસે ટોલ બુથના કર્મચારીની ફરિયાદને આધારે કોડીનારના પી.આઈ ભોજાણી વિરુદ્ધ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
કોડીનારના પી.આઇ. ભોજાણી સામે ફરિયાદ: કોડીનારના પી.આઈ ભોજાણી વિરુદ્ધ વંથલી નજીક આવેલા ગાદોઈ ટોલ બુથના કર્મચારી અને મેનેજર દ્વારા ઝપાઝપી અને મારામારી કરવાના કિસ્સામાં આરોપી બનતા જૂનાગઢ પોલીસે આરોપી પી.આઇ. ભોજાણીને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વંથલી નજીક આવેલ ગાદોઈ ટોલ બુથમાં ટોલ બાબતને લઈને પી.આઇ. ભોજાણી દ્વારા ટોલ બુથમાં ઉપસ્થિત સ્થાનિક કર્મચારી અને મેનેજર સાથે હાથાપાઇ કરતા તેમાં ટોલ બુથના એક કર્મચારીના પગમાં ફ્રેક્ચર થયું છે. ત્યારે અન્ય એક કર્મચારીને ઈજા થઈ છે ત્યારે પોલીસે ગાદોઈ ટોલ બુથના સંચાલક તરીકે ફરજ બજાવતા રાજેશ છૈયાની ફરિયાદને આધારે આરોપી પી.આઇ. સહિત અન્ય 20 જેટલા લોકો સામે ફરિયાદ નોંધીને જૂનાગઢ પોલીસે તપાસ શરૂ કરી છે.
ઓળખ બતાવવાને લઈને થઈ માથાકૂટ: કોડીનારના પી.આઇ. ભોજાણી ગાદોઈ ટોલ બુથ પરથી કારમાં જઈ રહ્યા હતા. આ સમયે ટોલ બુથના કર્મચારીએ તેમની ઓળખ બતાવવાની વાત કરતા સમગ્ર મામલો બિચક્યો હતો. ત્યારબાદ ફરિયાદીના જણાવ્યા અનુસાર સાદા ડ્રેસમાં રહેલા પી.આઇ. ભોજાણીએ ટોલ બુથના કર્મચારીને માર માર્યો હતો. સમગ્ર ઘટનાની પોલીસ ફરિયાદ નોંધાવા કર્મચારીઓ વંથલી પોલીસ મથક પહોંચ્યા હતા. ત્યારથી પરત સ્થળ નિરીક્ષણ માટે ગાદોઈ ટોલ બુથ પર આવતા હતા. તે સમયે પીઆઇ ભોજાણી અને તેમના અન્ય કેટલાક લોકો દ્વારા ટોલ બુથના કર્મચારી પર લોખંડના પાઇપ વડે હુમલો કરતા મામલો ગંભીર બન્યો છે સમગ્ર મામલામાં જૂનાગઢ પોલીસે પી.આઇ. ભોજાણી સામે રાઇટીંગ અને 307 ની કલમ અન્વયે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.