ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવી કૃષિ મહોત્સવ-2024નો રાજ્ય વ્યાપી પ્રારંભ બનાસકાંઠાના દાંતીવાડામાં સરદાર કૃષિ નગરથી કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્ય સરકાર હરપળ ખેડૂતોની પડખે ઊભી રહેવા તૈયાર છે. તેમણે કહ્યું કે, ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના વિકાસની ઈચ્છાશક્તિ હોય તો કેવા મોટા બદલાવો લાવી શકાય તે વડાપ્રધાનની વિઝનરી લીડરશીપમાં ગુજરાતે જ્યોતિગ્રામ યોજનાથી સતત વીજળી, સિંચાઈ વ્યવસ્થાપનથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી વગેરે આપીને પુરવાર કર્યું છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, કૃષિ ક્રાંતિમાં દેશનું દિશાદર્શન કરનારું રાજ્ય બનાવવાનો ધ્યેય વડાપ્રધાનની પ્રેરણાથી શરૂ થયેલા કૃષિ મહોત્સવની સફળતાથી સાકાર થયો છે. ખેડૂત પોતાના ખેતરમાં કયો પાક લઈ શકે તેમજ કૃષિમાં વેલ્યુ એડિસન સહિતની સમજ તથા માર્ગદર્શન આવા કૃષિ મહોત્સવમાં કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને સામે ચાલીને આપે છે.
આ ઉપરાંત ડ્રોનનો ખેતીમાં ઉપયોગ અને ફાર્મ મિકેનીઝમને રાજ્ય સરકાર પ્રોત્સાહન આપી ખેડૂતોને આ માટે પણ સહાય આપે છે તેનો લાભ લેવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો. એટલું જ નહીં, કમોસમી વરસાદ - વાવાઝોડા જેવી કુદરતી આફતના સમયે ખેડૂતોના પાકને થતા નુકસાન સામે પણ રાજ્ય સરકાર કૃષિરાહત પેકેજની ઉદારતમ સહાયથી સતત મદદરૂપ થાય છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, તાજેતરમાં કમોસમી વરસાદ - વાવાઝોડાની આફતથી પાકને થયેલા નુકસાન સામે ખેડૂતોને રૂ. 1419 કરોડનું જે પેકેજ સરકારે આપ્યું છે તેમાંથી 1200 કરોડ જેટલી રકમ ચૂકવી પણ આપી છે. મુખ્યમંત્રીએ કૃષિ મહોત્સવો ટેકનોલોજી યુક્ત આધુનિક ખેતી માટે દિશાદર્શક બન્યા છે તેની ભૂમિકા આપવા સાથે એમ પણ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈએ સમય કરતા આગળનું વિચારીને પ્રાકૃતિક ખેતી માટે આહવાન કર્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને એક-બે એકરથી શરૂ કરીને આ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારતા જઈ જમીન અને માનવી બેયનું સ્વાસ્થ્ય બગડતું અટકાવવા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વધુને વધુ ધરતીપુત્રો અપનાવે તેવું પ્રેરક સૂચન પણ કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીનું જે અભિયાન ચલાવ્યું છે. તેના પરિણામે અત્યાર સુધીમાં રાજ્યના અંદાજે 9.85 લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ ખેતી માટે સિંચાઈ અને વીજળીની મહત્તા વર્ણાવતા એમ પણ જણાવ્યું કે, દિવસે વીજળી આપવાની ખેડૂતતોની માંગણી અંગે રાજ્ય સરકાર આયોજન બદ્ધ રીતે આગળ વધી રહી છે. આગામી 6 થી 8 મહિનામાં સમગ્ર રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી આપવાની નેમ પણ ભૂપેન્દ્ર પટેલે દર્શાવી હતી.
રવી કૃષિ મહોત્સવ-2024 તા. 6 અને 7 ડિસેમ્બર દરમિયાન રાજ્યના 246થી વધુ તાલુકામાં યોજાવાનો છે. આ કૃષિ મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 12 જેટલા પ્રગતિશીલ ખેડૂતોને પોતાની આગવી કોઠાસુઝથી કૃષિ ક્ષેત્રે કરેલા સંશોધન માટે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.
આ અવસરે કૃષિ ક્ષેત્રે નવીનતમ ટેકનોલોજીની જાણકારી આપતી માહિતી પુસ્તિકાનું વિમોચન તેમજ ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓના 11.84 લાખના લાભ - સહાય વિતરણ પણ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીએ કર્યા હતા.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, સરકારે ખેડૂતોના હિતમાં અનેક નિર્ણય લીધા છે. અનેક યોજનાઓ અમલી બનાવી નાણાંકીય સહાય સહિત કૃષિ મેળાઓ થકી માર્ગદર્શન પણ આપવામાં આવે છે. કૃષિ તજજ્ઞો દ્વારા નવા સંસાધનો, નવા બિયારણો, ખેતીમાં વધુ ઉપજ, ઓછા ખર્ચે થતી ખેતી સહિત પ્રાકૃતિક ખેતીને સરકારે પ્રોત્સાહન આપ્યું છે.
ખેડૂતોને પોતાના પાકના યોગ્ય ભાવ મળી રહે તે માટે સરકાર ટેકાના ભાવ જાહેર કરીને પડતર કિંમતના 50 ટકાથી વધુ રકમ ચૂકવે છે. તાજેતરમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી માટે ટેકાના ભાવ જાહેર કર્યા છે. મગફળીની ખરીદી માટે 160 ખરીદ કેન્દ્રો ઊભા કરીને ટેકાના ભાવે ખરીદી ચાલું કરી છે. ખેડૂતોના હિતમાં સરકાર દ્વારા તમામ યાંત્રિક સાધનો પર સહાય આપવામાં આવે છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા આઠ વર્ષમાં 11 હજાર કરોડની સહાય ફક્ત પાક નુકસાની હેઠળ આપવામાં આવી છે. ઝીરો બજેટની ખેતી માટે ખેડૂતોની હર હંમેશા ચિંતા કરી છે. તેમણે કહ્યું કે, સરકારે પ્રાકૃતિક કૃષિના અભિયાનને વેગવંતુ બનાવવા પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી અને બોર્ડની રચના કરીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અનેકવિધ આયામો ઉપાડ્યા છે.