જુનાગઢ: પાછલા એક દસકા દરમિયાન સૌરાષ્ટ્રમાં વરસાદી સિસ્ટમ અને વરસાદની તીવ્રતામાં ખૂબ મોટો બદલાવ જોવા મળી રહ્યો છે, એક દસકા પૂર્વે ધીમીધારે અને એક અઠવાડિયા દરમિયાન આઠ થી દસ ઇંચ વરસાદ નોંધાતો હતો પરંતુ, છેલ્લાં બે-ચાર વર્ષોની સરખામણી કરીએ તો એક જ દિવસમાં 10 ઇંચ થી લઈને 20 ઇંચ સુધીનો વરસાદ સૌરાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારમાં નોંધાયો છે.
જે આબોહવા પરિવર્તન અને વધતા જતા ઔદ્યોગિકીકરણને કારણે વરસાદી સિસ્ટમ અને તેની તીવ્રતામાં અસામાન્ય બદલાવ થવાનું મુખ્ય કારણ માનવામાં આવે છે ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં 24 કલાક દરમિયાન 10 ઇંચ થી લઈને 20 ઇંચ સુધીનો ધોધમાર વરસાદ નોંધાયો હતો.
આબોહવા પરિવર્તન મુખ્ય સમસ્યા: આબોહવા પરિવર્તનને કારણે સાયકલોનિક સિસ્ટમ પાછલા 5 વર્ષથી સતત વધી રહી છે, જેને કારણે જે વિસ્તારમાં સાયક્લોનિક સિસ્ટમની અસર સૌથી વધુ જોવા મળે તે વિસ્તારમાં એક સાથે 24 કલાક કરતા પણ ઓછા સમયમાં 10 થી લઈને 20 ઇંચ સુધીનો વરસાદ પડતો જોવા મળે છે, જેની પાછળ આબોહવાના પરિવર્તનને કારણે તાપમાનમાં થયેલો વધારો પણ માનવામાં આવે છે.
વધુમાં વૈશ્વિક સ્તરે થઈ રહેલા ઔદ્યોગિકીકરણને કારણે પણ વાતાવરણમાં ગ્રીન હાઉસ ગેસનુ પ્રમાણ વધી રહ્યું છે જેને કારણે પૃથ્વીના તાપમાન ની સાથે સમુદ્રનું તાપમાન પણ વધી રહ્યું છે. હિમાલય અને બરફ આચ્છાદીત વિશ્વના તમામ પ્રદેશોમાં ગ્લેસીયર્સ ઓગળી રહ્યા છે જેને કારણે પણ ચોમાસા દરમિયાન વરસાદની તીવ્રતા અને વરસાદનું પ્રમાણ સૌથી વધુ નોંધાઈ રહ્યું છે.
આગામી દિવસોમાં હળવા વરસાદની શક્યતા: આગામી દિવસોમાં હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે, પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી લઈને છુટા છવાયા વરસાદી જાપટાની શક્યતા વધી રહી છે, તો બીજી તરફ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ આગામી પાંચ દિવસો દરમિયાન મધ્યમથી લઈને ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં આ પાંચ દિવસો દરમિયાન હળવો કે મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા જુનાગઢ હવામાન વિભાગ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે.