ખેડા: ઘટનાને પગલે જીલ્લા પોલિસ અધિક્ષક સહિતનો પોલિસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ટોળા વિખેરી પોલિસ દ્વારા સ્થિતિ નિયંત્રિત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ હતી. શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેમજ સંપૂર્ણ શાંતિનો માહોલ છે. તમને જણાવી દઈએ કે, અથડામણ દરમિયાન લાકડીઓ સહિતના હથિયારો સાથે ટોળા સામસામે આવતા તંગદિલી ફેલાઇ હતી. ટોળા દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. ઉપરાંત એક બાઈકને આગ ચાંપી દેવામાં આવી હતી.
બાઈક ધીમી ચલાવવા બાબતે માર માર્યો: ગતરોજ સાંજે પીઠાઈ ટોલબૂથ બાજૂથી સતિષભાઈ ગોર પોતાનું બાઈક લઈને આવી રહ્યા હતા. ત્યારે પાછળથી એક ફોર વ્હીલરવાળાએ બાઈક ધીમું ચલાવવા બાબતે નજીક ગાડી લાવી અપશબ્દો બોલ્યા હતા. જે બાદ તેઓ બાઈક લઈને જતા હતા. પરંતુ તે બાદ ખોખરવાડા પાટિયા ઓવરબ્રિજે ગાડીવાળાએ બાઈક ઉભુ રખાવી બીજા પાંચ સાત જણા આવી બાઈકવાળા ફરિયાદી પાસે ધોલ ઝાપટ કરી હતી. જે ઘટના બાદ મોડી રાત્રે બે કોમના ટોળા સામસામે આવતા મામલો ઉગ્ર બન્યો હતો.
શહેરમાં તંગદિલીભર્યો માહોલ સર્જાયો: તાલુકા મથક કઠલાલમાં મોડી રાત્રે બે કોમના ટોળા સામસામે આવી જતા ભારે તંગદિલી ભર્યો માહોલ સર્જાયો હતો. લાકડી, દંડા સહિતના હથિયારો સાથે ટોળા વચ્ચે અથડામણ થઈ હતી. ટોળા દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. જે દરમ્યાન એક બાઈકને અસામાજીક તત્વો દ્વારા આગ ચાંપી સળગાવી દેવામાં આવી હતી.
પોલિસે સ્થિતિ નિયંત્રિત કરી કાર્યવાહી હાથ ધરી: ઘટનાને પગલે પોલિસ વડા સહિતના અધિકારીઓ સાથે જીલ્લાભરમાંથી પોલિસ કાફલો કઠલાલ પહોંચ્યો હતો. પોલિસ દ્વારા બંને કોમના ટોળા વિખેરી સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી. શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઉપરાંત ઘટનામાં પોલિસ દ્વારા ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા સહિતની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. હાલ સમગ્ર શહેરમાં શાંતિનો માહોલ છે.
પોલિસ દ્વારા કાયદેસર કાર્યવાહી ચાલુ છે- પોલિસ અધિક્ષક: આ બાબતે ખેડા જીલ્લા પોલિસ વડા રાજેશ ગઢીયાએ જણાવ્યુ હતું કે, ફરિયાદની કાર્યવાહી ચાલુ છે. ઘટના બાદ કઠલાલમાં બંને કોમના ટોળાઓ ભેગા થયેલા જેને લઈ તાત્કાલિક એલસીબી, એસઓજી અમે સૌ અધિકારીઓ અહીં પહોંચી બંને કોમના ટોળાઓને વિખર્યા છે. જેમાં ટોળામાંથી અસામાજીક તત્વોએ બાઈક સળગાવી દીધેલું હતું. હાલમાં શાંતિ છે. આગળની તમામ કાર્યવાહી કાયદેસર રીતે થશે. જે કોઈ અસામાજીક તત્વો છે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી થશે.
આ પણ વાંચો: