અમદાવાદ : સ્પા અને હોટલોની આડમાં ચલાવવામાં આવતા કુટણખાના અનેક કિસ્સા છાશવારે પ્રકાશમાં આવે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ચાલતા ગોરખધંધા સામે કાર્યવાહી કરી ગુજરાત પોલીસ CID ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવે છે.
CID ક્રાઈમના દરોડા : 31 જુલાઈના રોજ CID ક્રાઈમ દ્વારા અધિકારીઓની અલગ-અલગ ટીમ બનાવીને અમદાવાદ અને ગાંધીનગર શહેરના 35 જેટલા સ્પા અને હોટલોમાં ડમી ગ્રાહકો મોકલી સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. CID બ્રાન્ચ દ્વારા દરોડા પાડીને સ્પા અને હોટલોમાં ચલાવવામાં આવતા કુટણખાનાનો ખુલાસો કર્યો છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરના 13 જેટલા સ્પા અને હોટલોમાં દરોડા પાડીને 42 આરોપીની અટકાયત કરવામાં આવી છે.
'ગાંધીનગર અને અમદાવાદના વિવિધ વિસ્તારમાં રેડ મારીને ઈલીગલ ટ્રાફિકિંગના 13 કેસ, પાંચ વિદેશી યુવતીઓને વિઝાની લિમિટને લઈને કેસ સહિત કેટલીક હોટલોમાં દારૂ પણ મળી આવતા, આ રેડમાં આશરે 22 જેટલા ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.' -- DySP (CID ક્રાઈમ)
સ્પા અને હોટલોમાં દેહવ્યાપારનો કારોબાર : અમદાવાદ અને ગાંધીનગરમાં સ્પા અને હોટલોમાં ચલાવવામાં આવતા કુટણખાનાને લઈને CID ક્રાઈમના અધિકારીઓની અલગ-અલગ ટીમ બનાવીને દરોડા પાડવામાં આવ્યા હતા. આ ધમધમતા સ્પા અને હોટલના માલિકો, મેનેજર અને દલાલો ભારત સહિત વિદેશની મહિલાઓને દેહવ્યાપાર કરાવતા હતા. આ ઉપરાંત, કેટલીક હોટલોમાં દારુ અને યુવતીઓ મળી આવતા CID ક્રાઈમે કુલ 22 જેટલા ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ હોટલ-સ્પામાં દરોડા : CID ક્રાઈમ ટીમે 13 સ્પા-હોટલોમાં દરોડા પાડ્યા હતા. જેમાં ગાંધીનગર સરગાસણ ચાર રસ્તાના અર્બન એક્વા સ્પા, અમદાવાદના ગેલેક્ષી સ્પા, માહેરા સ્પા, વિવાન્તા સ્પા, ઇસ્કોન ચાર રસ્તા પાસે સિવાલિક સીલમાં ચાલતા માહેરા સ્પાનો સમાવેશ થાય છે. સાથે જ અમદાવાદમાં ઝાયડસ હોસ્પિટલ પાસેની હોટલ પ્રગતિ ગ્રાન્ડ, થલતેજ પટેલ એવન્યુની હોટલ આઇલેન્ડ પાર્ક, પાંજરા પોળ સિગ્મા લીગસી કોમ્પ્લેક્સની ન્યુ કમ્ફર્ટ ઇન, પ્રહલાદનગરની હોટલ રમાડા, સીટી ગોલ્ડ થીયેટર પાછળની મારુતિ હોટેલ અને ઝુંડાલ સર્કલની હિલલોક હોટલમાં દરોડા પાડ્યા હતા.