નવસારી : તાજેતરમાં નવસારી જિલ્લાના બીલીમોરા તાલુકામાં આવેલ પાણી પુરવઠા વિભાગમાં મસમોટું કૌભાંડ CID ક્રાઇમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. જે પ્રોજેક્ટ કાર્યરત ન હતા તેના બિલ મૂકવામાં આવતા હતા અને કૌભાંડ ચલાવવામાં આવતું હતું. અત્યાર સુધી 12 કરોડ રૂપિયાના બિલ રાજ્ય સરકારમાં મૂકી પાસ કરવામાં આવ્યા હતા.
પાણી પુરવઠા કૌભાંડ : આ સમગ્ર કૌભાંડમાં CID ક્રાઈમ દ્વારા 14 જેટલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જે પૈકી ત્રણ મહિલા સહિત 10 ની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ આરોપીઓને સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં 14 દિવસના રિમાન્ડ સામે નવ દિવસના રિમાન્ડ નામદાર કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા.
CID ક્રાઈમ દ્વારા તપાસ : નવસારી પાણી પુરવઠા વિભાગના કૌભાંડમાં CID ક્રાઈમ દ્વારા જીણવટ ભરી રીતે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આ કૌભાંડમાં સામેલ કોન્ટ્રાક્ટર નરેન્દ્ર શાહ અને મિતેશ શાહની ઓફિસે CID ક્રાઈમની તપાસ આખી રાત ચાલી હતી.
મહત્વના દસ્તાવેજો મળ્યા : આ દરમિયાન કોન્ટ્રાક્ટર નરેન્દ્ર શાહ અને મિતેશ શાહની ઓફિસ અને ઘરની તપાસ કરવામાં આવી હતી. જેમાં કૌભાંડી કોન્ટ્રાક્ટરના ઘરેથી CID ક્રાઈમને પાણી પુરવઠાની યોજનાઓને લગતા મહત્વના દસ્તાવેજો હાથે લાગ્યા હતા. વધુમાં આગામી દિવસોમાં આ તપાસનો દોર પૂર્ણ થયા બાદ નવા આરોપી પણ બહાર આવી શકે છે.
સર્ચ ઓપરેશન : આ મામલે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. સમગ્ર કૌભાંડ મામલે સરકાર ફરિયાદી બની અને અધિકારીઓની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધરવાની તજવીજ શરૂ કરી છે. આજે રાજકોટથી સુપ્રિટેન્ટ એન્જિનિયર કોમલ અડાલજાની આગેવાનીમાં 38 જેટલા અધિકારીઓની એક મીટીંગ યોજવામાં આવી છે. મીટીંગ કર્યા બાદ સર્ચ ઓપરેશન હાથ ધરી શકે છે. જેમાં આરોપી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના ઘરે જઈને તપાસ કરવામાં આવશે. જેમાં મોટા ખુલાસા થવાની શક્યતા જોવાઇ રહી છે.