સુરત: સુરત શહેરના વેડરોડ વિસ્તાર ખાતે આવેલા શ્રીરામ નગર સોસાયટીમાં રહેતા દિલીપભાઈ મહિલા સાથે છેલ્લા આઠ મહિનાથી લીવ ઈન રિલેશનશિપમાં રહેતા હતા. મહિલાના બે દીકરા છે અને પતિ સાથે છૂટાછેડા થઈ ગયા છે. મહિલા પહેલા દિલીપના સોસાયટીના એક મકાનમાં ભાડુઆત તરીકે રહેતી હતી. બંને વચ્ચે પરિચય થયા બાદ બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા અને ત્યારબાદ સાથે રહેવા લાગ્યા હતા. મહિલાએ દિલીપને કહ્યું હતું કે આપણે નવા ઘરમાં રહેવા જઈશુ જેના કારણે દિલીપે પોતાનાં મકાન વેચી દીધા હતા.
મકાન વેચ્યા પછી દિલીપને 96.40 મળ્યા હતા જે ઘરે દિલીપ લઈ આવી રહ્યો હતો ત્યારે તે સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો હતો. આ રૂપિયા જોઈને મહિલા લાલચમાં આવી ગઈ હતી. પોતાના અન્ય પ્રેમી મળી તે આ રૂપિયા ચોરી ફરાર થઈ ગઈ હતી જે અંગે દિલીપએ ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે લુટેરી પ્રેમિકા આખરે બંને મહારાષ્ટ્રથી ઝડપાયાં છે.
બંને મહારાષ્ટ્ર નાસી ગયા હતા
આ સમગ્ર મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, દિલીપએ ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેની સાથે લિવ રિલેશનશિપમાં રહેતી મહિલા 96 લાખ રૂપિયા લઈને પોતાના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ છે. મોબાઈલ અને હ્યુમન સર્વલેન્સના આધારે અમે મહિલા અને તેના અન્ય પ્રેમીની ધરપકડ કરી છે. બંને પાસેથી 70 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. બાકીની રકમ તેઓએ ક્યાંક ખર્ચ કરી છે તે અંગે બંનેની પૂછપરછ હાથ ધરવામાં આવશે. ચોરી કર્યા કર્યા બાદ તેઓ મહારાષ્ટ્રના પૂનામાં નાસી ગયા હતા.