ગાંધીનગર : લોકસભાની 26 બેઠકો માટેની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની 05 બેઠકોની પેટાચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી તમામ પ્રકારની તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. વડોદરામાં શરૂ થયેલા પોસ્ટર વોર અંગે પણ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જિલ્લા કલેકટર પાસે રિપોર્ટ માંગ્યો છે.
756 ફ્લાઈંગ સ્કવોડ કાર્યરત : ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં 756 ફ્લાઈંગ સ્કવોડ કાર્યરત છે. આ ટીમો દ્વારા અત્યાર સુધીમાં રૂ.1.35 કરોડની કિંમતનો 39,584 લીટર દારૂ, રૂ.2.28 કરોડની કિંમતનું 3.41 કિલો સોનું અને ચાંદી તથા મોટરકાર, મોટર સાઈકલ અને અખાદ્ય ગોળ સહિતની રૂ.2.27 કરોડની અન્ય વસ્તુઓ મળી કુલ રૂ.5.92 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.
સી-વીજીલ મોબાઈલ ઍપ પર ફરિયાદોનો ઢગલો : રાજ્ય ચૂંટણી પંચને સી-વીજીલ મોબાઈલ ઍપ પર તા.16 માર્ચથી તા.20 માર્ચ સુધી કુલ 218 ફરિયાદો મળી છે. ઓનલાઇન પોર્ટલ પર પર મતદાર ઓળખપત્ર અંગેની 942, મતદાર યાદી સંબંધી 68, મતદાર કાપલી સંબંધી 20 તથા અન્ય 321 મળી કુલ 1,351 ફરિયાદો મળી છે. આ ઉપરાંત, મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ખાતે કાર્યરત કંટ્રોલ રૂમના હેલ્પલાઈન નંબર ઉપર તા.16 માર્ચ સુધી 08 ફરિયાદો મળી છે, જે તમામનો નિકાલ કરવામાં આવ્યો છે. સાથે સાથે કચેરીમાં ટપાલ અને ઈ-મેઇલ મારફતે મીડીયા સંબંધી 08, રાજકીય પક્ષો લગત 01 તથા અન્ય 42 સામાન્ય મળી કુલ 51 ફરિયાદો મળી છે.
જિલ્લા કલેકટર પાસે રિપોર્ટ માંગ્યો : વડોદરામાં શરુ થયેલું ભાજપનું પોસ્ટર વોર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તો બીજી તરફ આ પોસ્ટર વોર બાબતે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જિલ્લા કલેકટર પાસે રિપોર્ટ માંગ્યો છે અને તપાસ કરવાની સૂચના આપી છે. વડોદરા પોસ્ટર વોર બાબતે અધિક મુખ્ય નિર્વાંચન અધિકારી ડૉ. કુલદીપ આર્યએ જણાવ્યું કે આ બાબતે કલેકટર દ્વારા જરૂરી તમામ પગલાંઓ લેવામાં આવશે. એટલું જ નહીં, અત્યારે હાલ ચૂંટણી તંત્ર દ્વારા એક વિશેષ કંટ્રોલ રુમ પણ કાર્યરત કરી દેવામાં આવેલ છે. વિવિધ પોર્ટલો પણ ફરિયાદ માટે શરૂ કરવામાં આવ્યા છે. જોકે હાલ મોટાભાગે ચૂંટણી કાર્ડને લગતી ફરિયાદો ચૂંટણી આયોગની મળતી હોવાનો દાવો કર્યો હતો.