છોટાઉદેપુરઃ ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતના પૂર્વ ગૃહ પ્રધાન અને સત્તાધારી પક્ષ ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષ અને મધ્ય ગુજરાત ના પ્રભારી ગોરધન ઝડફીયા દ્વારા બુટલેગરનું જાહેર સન્માન કરવામાં આવ્યું. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીના ભાજપાની ચંદા દો-જામીન લો, હપ્તા દો-સન્માન મેળવો-જેલમુક્ત થઈ જાવની રણનીતિ પર આકરા વાકપ્રહાર કર્યા છે.
5 પોલીસ સ્ટેશનમાં 8 ગુનાઃ ભારતીય જનતા પાર્ટીના કમલમના બનનાર મકાનની જમીન ઉપર એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં આંતરરાજ્ય બુટલેગર તરીકે કુખ્યાત ગુન્હેગાર પીન્ટુ જયસ્વાલનું પુષ્પ ગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું. આ એ ગુન્હેગાર છે કે જેઓની સામે છોટાઉદેપુર સંસદીય મતવિસ્તારમાં આવતા જિલ્લાઓ અને તાલુકાઓના 5 પોલીસ સ્ટેશનમાં અંગ્રેજી દારૂનો વેપાર વિરુદ્ધ 8 ગુનાઓ નોંધાયેલા છે.
કૉંગ્રેસના વાકપ્રહારઃ જ્યારે ગુજરાતના પૂર્વ ગૃહ પ્રધાને આ ગુનેગારનું સન્માન કર્યુ ત્યારે એ પણ જાહેરાત કરવામાં આવી હતી કે ભાજપાનું કમલમ બની રહ્યું છે તેની જમીન પણ આ બુટલેગરે આપી છે. કૉંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, અમોને એ પણ માહિતી મળી છે કે આ બુટલેગરને છોટા ઉદેપુરની બાહોશ પોલીસે વર્ષ 2022માં ધરપકડ કરીને જેલમાં નાખ્યો હતો. તેના થોડાક જ સમયમાં પોલીસ ઉપર એસીબીના દરોડા પાડયા હતા. આ સમગ્ર બાબત અને ઘટનાક્રમ ભાજપા અને આવા અસામાજિક તત્વો સાથેની સાંઠ ગાંઠ ઉપર શંકાઓ ઉભી કરે છે. જેની તપાસ કરીને છોટાઉદેપુર પોલીસ દ્વારા લોકોને આવા અસામાજિક તત્વો અને ભાજપાની સાંઠ ગાંઠ સામે સુરક્ષાની ખાતરી કરાવવી જોઈએ.
કૉંગ્રેસે કર્યા વેધક સવાલોઃ ભાજપે કરેલા સ્વાગત પર કૉંગ્રેસે વેધક સવાલ કર્યા છે. જેમાં શું આ કુખ્યાત બુટલેગર જામીન મુક્ત છે અને છોટાઉદેપુર અને ગુજરાતમાં પ્રવેશ અંગે છુટ ધરાવે છે? શું છોટાઉદેપુર માં ભાજપા ભરતી મેળાના નામે કેટલાક લોકોને જોડવામાં આવ્યા હતા તે આ આ બુટલેગરની ધાધમકીથી કરવામાં આવેલ છે? આ આંતર રાજ્ય બુટલેગરે ભાજપાને કમલમ બનાવવા માટે જમીન આપી છે તે છોટાઉદેપુર અને ગુજરાતમાં ગાંજો, અફીણ જેવા નશીલા દ્રવ્યો અને દારૂ ઘુસાડવામાં સરકારી સહકાર મેળવવાના બદલે શું આ કિંમત ચૂકવી છે ? શું આ પ્રકારે ગુન્હેગારો, બુટલેગરો, અસામાજીક તત્વો અને ખનીજ ખાણ માફીયાઓ, જમીન માફીયાઓ, કૌભાંડીઓના યોગદાન-હપ્તાના નાણાંથી આલીસાન કમલમ ઉભા કરવામાં આવી રહ્યાં છે ? શું છોટાઉદેપુર લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર માત્ર નામના જ છે અને ખરેખર તેની પાછળ ઉભા રહીને આવા ગુન્હેગારો ચુંટણી લડી રહ્યા છે?
કૉંગ્રેસની માંગણીઃ આ સમગ્ર કિસ્સામાં કૉંગ્રેસે માંગણી કરી છે કે, આ આંતર રાજ્ય ગુનેગાર એવા પીન્ટુ જયસ્વાલને ભાજપાના મંચ ઉપર આમંત્રિત કરી સન્માન કરનાર અને મંચ ઉપર હાજર રહેનાર છોટાઉદેપુર ભાજપાના નેતાઓના દારૂની હેરાફેરી અંગે શું સબંધો રહ્યા છે તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. આ બુટલેગરે ભાજપાના કમલમ માટે આપેલી જમીન અને તેની સામેના પોલીસ કેસો સાથે શું સંબંધ છે તેની તપાસ કરાવવામાં આવે. આ જમીન ઉપર કમલમ બનાવવા માટેની મંજૂરી રદ કરવામાં આવે. ભારતીય ચૂંટણી પંચ અમારી ઉપરોક્ત ન્યાયીક માંગણીઓ અંગે ગંભીરતા પૂર્વક ત્વરિત કાર્યવાહી કરે.