અમદાવાદ : કુખ્યાત કેમિકલ માફિયા સંદીપ ગુપ્તાને સુરત ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ એસ. જી. હાઈવે પાસેથી ઝડપી લીધો છે. નોંધનીય છે કે, આરોપી ગુજરાત, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને હરિયાણા સહિતના રાજ્યોમાંથી પસાર થતી IOCL ની પાઈપ લાઈનમાં પંક્ચર પાડી અંડરગ્રાઉન્ડ રસ્તો બનાવી ઓઇલ ચોરી કરતો હતો.
કુખ્યાત કેમિકલ માફિયા : સુરત ક્રાઈમ બ્રાન્ચ DCP બી. પી. રોજિયાએ જણાવ્યું હતું કે, હરિયાણાના ગુડગાંવનો વતની સંદીપ ઉર્ફે સેન્ડી વિજેન્દ્રકુમાર ગુપ્તા દેશનો મોટો કેમિકલ માફિયા અને સૂત્રધાર છે. સંદીપ ગુપ્તા 2006-07 થી કેમિકલ ચોરીમાં સક્રિય છે. ગુજરાતમાં તેના સાગરીતો મુકેશ ગુજ્જર ઉર્ફે ફૌજી, નિશાંત કર્ણિક અને વસીમ કુરેશીની મદદથી સિન્ડિકેટ બનાવી ઓઇલ ચોરી કરતા હતા.
ગુજરાત અને રાજસ્થાનમાં ગેંગ : આ ઉપરાંત સંદીપ ઉર્ફે સેન્ડી રાજસ્થાનમાં રાજેન્દ્ર જૈન, પ્રદીપકુમાર માળી, આકાશ જૈન, સોહનલાલ બિશ્નોઈ, આશિષ મીણાની મદદથી ગેંગ ચલાવતો હતો. રાજસ્થાનના બ્યાવર જિલ્લામાંથી IOCL ની મુંદ્રા-પાણીપત લાઈન પસાર થાય છે. ત્યાં પંક્ચર પાડી કેમિકલ ચોરીનું નેટવર્ક ઊભું કર્યું હતું.
કરોડોના ક્રૂડની ચોરી : આ ગેંગે ફેબ્રુઆરી, 2024 માં બરગામ પાસે HPCL નું પેટ્રોલ પંપ ત્રણ વર્ષ માટે ભાડે લીધું હતું. આ પંપથી 50 ફૂટ લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ ખોદી પાઇપલાઇન સુધી પહોંચ્યા હતા. આરોપીઓએ કરોડોની કિંમતના ક્રૂડ ઓઇલની ચોરી કરી હતી. જેને લઈ રાજસ્થાન ATS/SOG દ્વારા ગુનો નોંધાતા તે વોન્ટેડ હતો.
અમદાવાદથી ઝડપાયો આરોપી : સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, આરોપી સંદીપ ઉર્ફે સેન્ડી અમદાવાદ SG હાઈવે પાસે આવવાનો છે. આ બાતમીને આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી. જ્યાં આરોપી આવતા સુરત ક્રાઈમ બ્રાન્ચ ટીમે તેને દબોચી લીધો હતો.