મહેસાણા : સુપ્રસિદ્ધ તીર્થધામ બહુચરાજી મંદિરે આજથી ચૈત્રી નવરાત્રીના પ્રારંભ સાથે મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ બહુચરાજી મંદિરે પણ ચૈત્રી નવરાત્રીનો વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે અને પરંપરા અનુસાર વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો .છે આજે પ્રથમ દિવસે મા બહુચરના ગર્ભગૃહમાં ઘટસ્થાપન વિધિ યોજાઈ હતી. વૈદિક મંત્રોના ઉચ્ચારણ થી સમગ્ર મંદિર ભક્તિમય બન્યું હતું.
માતાજીની આરાધનાનું ખૂબ મહત્વ : હિન્દુ સંસ્કૃતિમાં માતાજીની આરાધનાનું ખૂબ મહત્વ હોય છે. ત્યારે આજથી શરૂ થયેલ પવિત્ર ચૈત્રી નવરાત્રીનું પણ ખાસ મહત્વ રહ્યું છે. નવરાત્રિમાં દૈવી શક્તિની આરાધના ખૂબ ફળદાયી નીવડતી હોય છે. આ નવરાત્રિમાં લોકો વિધિવિધાન મુજબ માતાજીની પૂજા અને આરાધના કરી માતાજીને રિઝવવાનો પ્રયાસ કરતા હોય છે.
વિશેષ આયોજન : શક્તિપીઠ બહુચરાજીમાં પણ શક્તિ ભક્તિ અને આરાધનાના પર્વ એવા ચૈત્રી નવરાત્રિને લઈ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રીના 9 દિવસમાં વિવિધ ધાર્મિક આયોજન સાથે તેરસ ચૌદસ અને પૂનમ ભાતીગળ મેળાનું પણ બહુચર માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ 3 દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં ગુજરાતના ખૂણેખૂણેથી બહુચરાજી પધારી માં બહુચરના પાવનકારી દર્શનનો લાભ લેશે.
ઘટસ્થાપન વિધિ યોજાઈ : બહુચરાજી મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ચૈત્રી નવરાત્રીમાં ઘટસ્થાપન કરવામાં આવ્યું છે, બહુચરાજી મંદિરે ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે અને તેના કારણે ગુજરાતની સાથે દેશભરમાંથી માઇભક્ત શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં બહુચરાજી મંદિરે માઁ બહુચરના આશીર્વાદ મેળવવા પધાર્યા છે. યાત્રાધામ બહુચરાજી મંદિરે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ કરવામાં અવ્યો છે ત્યારે બહુચરાજી મંદિરે આજે પ્રથમ દિવસર ચૈત્રી નવરાત્રીએ ઘટસ્થાપન કરવામાં આવ્યું હતું. ચૈત્રી નવરાત્રીનું બહુચરાજી મંદિરે વિશેષ મહત્વ હોઈ મોટી સંખ્યામાં માઇભક્ત શ્રદ્ધાળુઓ દર્શન કરવા પધાર્યા હતા. આવનારા દિવસોમાં ચૈત્રી નવરાત્રિને લઈ હજુ પણ મોટી સંખ્યામાં માં બહુચરના દર્શનનો લાભ લેશે.