સુરત: સુરત શહેર અને જિલ્લામાં તસ્કરો, સ્નેચરોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. બે ખૌફ રીતે ક્રાઇમની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે વધુ એક સ્નેચિંગની ઘટના સામે આવી છે.
કામરેજ તાલુકાના ઊંભેળ ગામે કરિયાણું લઈને વૃદ્ધ મહિલા ઘરે પરત ફરી રહી હતી તે દરમિયાન બાઈક પર આવેલ બે ઈસમો મહિલાના ગળામાંથી સોનાની માળા આંચકી ફરાર થઈ ગયાં હતા. માળાની ચીલઝડપની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
વૃદ્ધા દુકાનેથી કરિયાણું લઈને પરત આવી રહી હતી તે દરમિયાન બાઈક પર અજાણ્યા ઇસમો આવ્યા હતા અને મહિલાની નજીક જઈ ગળામાં પહેરલ 27.950 ગ્રામની સોનાની માળા આંચકીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
આ બનાવની જાણ વૃદ્ધાના દીકરા રોનક ભાઈ દિલીપ ભાઈ ટેલરને થતાં તેમણે કામરેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, તેમની ફરિયાદના આધારે સ્નેચરોને ઝડપી પડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે ધોળા દિવસે બનેલી સ્નેચિંગની ઘટનાને લઇને લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ મામલે કામરેજ પોલીસ મથકના પીઆઈ ઓ.કે જાડેજા એ જણાવ્યું હતું કે, આ ગુનામાં સંડોવાયેલા ઈસમો વિરૂદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે તેમજ સીસીટીવી ફૂટેજ ના આધારે હાલ તપાસ શરૂ છે.