સુરત: જિલ્લામાં વધુ એક PI ની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. શહેરના ડિંડોલી વિસ્તારમાં રાતનાં સમયે વકીલ પોતાનું કામકાજ પતાવીને કારમાં બેસીને ઘરે જઈ રહ્યા હતા. ત્યારે પોલીસ વાનમાં આવેલા PI એ વકીલને લાત મારીને મારામારી કરી હતી. એવો આક્ષેપ વકીલ દ્વારા કરાયા છે. વકીલે આક્ષેપ કર્યો છે કે, ફરિયાદ માટે તેઓ મોડી રાત સુધી પોલીસ સ્ટેશનમાં રોકાયા હતા. પરંતુ તેમની ફરિયાદ લેવામાં આવી નથી.
વકીલ સાથે ગેરવર્તણૂક સીસીટીવીમાં કેદ: સુરતમાં પોલીસકર્મીએ વકીલને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં 18 ઓગસ્ટની રાત્રે ડીંડોલીમાં નાઈટ પેટ્રોલિંગમાં નીકળેલા પોલીસ ઈન્સ્પેક્ટરે PCR વેનમાંથી ઊતરીને કારના દરવાજા પાસે ઊભેલા વકીલને જોરદાર લાત મારી હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ લઈ છે.
PI એ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી: આ મામલે વકીલે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે, પોલીસ ઈન્સ્પેક્ટર સોલંકીએ તેને બિનજરૂરી માર માર્યો હતો અને ખોટા કેસમાં ફસાવવાની ધમકી પણ આપી હતી. તો આ મામલે PIએ જણાવ્યું હતું કે, કેટલાક લોકો ત્યાં હોવાથી દૂર જવાનું કહેવામાં આવ્યું, પરંતુ તેણે વળતો જવાબ આપ્યો હતો. જે બાદ આવું કરવા મજબૂર થવું પડ્યું હતું. હાલ આ ઘટનાને પગલે વકીલ આલમમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
બાર એસોસિએશનનું જોઇન્ટ પોલીસ કમિશ્નરને આવેદન: સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનનું કમિશનરને આવેદન પેટ્રોલિંગમાં નીકળેલા ડીંડોલીના સેકન્ડ પીઆઈ એચ. જે. સોલંકી દ્વારા વકીલને લાત મારવા મામલે કોઈ કાર્યવાહી ન થતાં સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના સભ્યો PI વિરુદ્ધ રજૂઆત કરવા માટે પોલીસ કમિશ્નર કચેરી પહોંચ્યા હતા.