મહેસાણા: આર.બી. આઇ દ્વારા મહેસાણા અર્બન કો.ઓપરેટિવ બેંક લિમિટેડને 5.93 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ બેન્ક દ્વારા ડીરેક્ટરો અને તેમના સંબંધીઓને લોન (ધિરાણ) આપવા અંતે નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કેવાયસી અને એન્ટી મની લોન્ડરિંગ એક્ટના નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હોવાથી આરબીઆઈ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે.
સત્તાનો દુરુપયોગ: મહેસાણા અર્બન કો.ઓપ. બેંક લિમિટેડ દ્વારા પોતાને મળેલી સત્તાઓનો દૂરઉપયોગ કરીને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ તેમજ સહકારી મંડળીઓને લાગુ પડતી માર્ગદર્શિકાઓનો ભંગ કરીને બેન્કના ડીરેક્ટરો અને તેમના સંબંધીઓને લોન (ધિરાણ) આપવામાં આવી હતી.
નોટિસ ફટકારવામાં આવી: આ ઉપરાંત આરબીઆઇની તપાસમાં જાણવા મળ્યું છે કે, બેંક દ્વારા કેવાયસી એન્ટી મની લોન્ડરિંગ અને ગ્રૂપ એક્સપોઝરના નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું. જેના કારણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મહેસાણા અર્બન કો.ઓપ. બેન્કને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી.
વ્યક્તિગત રીતે સુનાવણી: મહેસાણા અર્બન કો.ઓપ.બેંક દ્વારા આરબીઆઈની આ શો-કોઝ નોટિસનો લેખિતમાં જવાબ પણ આપવામાં આવ્યો હતો. પરંતુ આરબીઆઈએ મહેસાણા અર્બન કો.ઓપ. બેન્કના જવાબના તથ્યો પર વિચારણા કરી હતી. આ વિચારણા કર્યા બાદ વ્યક્તિગત રીતે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી બાદ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને આરબીઆઈ નિર્ણય પર આવી હતી કે, મહેસાણા અર્બન કો.ઓપ. બેંક દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ નિર્ણયના આધારે આરબીઆઈ દ્વારા મહેસાણા અર્બન કો.ઓપ. બેન્કને રૂપિયા એક કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.