પાટણ: આમ તો,રાજ્ય સરકાર દ્વારા લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે, પરંતુ વરવી વાસ્તવિકતા એ છે કે આજે પણ પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના જાખોત્રા ગામમા લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે.
પાણી માટે પડાપડી:જાખોત્રા ગામમાં પીવાના પાણીની પારાયણ સર્જાતા લોકો પીવાના પાણી માટે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જાખોત્રા ગામની સ્થિતિ એ હદે જોવા મળી રહી છે કે, લોકોને ટેન્કર ઉપર ચડીને પાણી માટે પડાપડી કરતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યાં છે.
નલ સે જલનાં ધજાગરા: ભાજપ સરકાર દ્વારા મોટા ઘરે ઘરે પાણી માટે નલ સે જલ યોજના અંતર્ગત મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યાં છે, પરંતુ ખરી વાસ્તવિક્તા એ છે કે, ટેન્કર મુકત ગુજરાતના ગામડાઓમાં ટેન્કર રાજની સ્થિતિ જોવા મળી રહી છે. જાખોત્રા ગામ ખાતે તંત્રના ગાલ પર તમાચા સમાન જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
લોકોમાં સરકાર સામે નારાજગી: સાંતલપુરનાં જાખોત્રામાં પાણીનું ટેન્કર આવતાની સાથે જ ગામલોકો ટેન્કરમાંથી પાણીની રીતસર લૂંટ કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. ત્યારે ઘર ઘર પાણીના દાવા પાટણમાં પોકળ સાબિત પુરવાર થઈ રહ્યા છે. બીજી તરફ ડબલ એન્જિનની સરકાર હોવા છતાં પાણી જેવી પાયાની સુવિધા ન મળવાના કારણે લોકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.