બનાસકાંઠા: જિલ્લામાં રાજસ્થાન અને ગુજરાતની 2 ચેકપોસ્ટ પસાર કરીને ગુજરાતમાં ઘૂસેલા દારૂ ભરેલા ટ્રકને સાયબર ક્રાઈમ ભુજ રેન્જ દ્વારા અમીરગઢના ધનપુરા નજીકથી ઝડપી લેવામાં આવ્યો છે. ઘાસના પૂળાની આડમાં ગુજરાતમાં દારૂ ઘુસાડવાના બુટલેગરના કીમિયાને ફરી એકવાર સાયબર ક્રાઈમ ભુજ રેન્જે નાકામ કર્યો છે.
સ્થાનિક પોલીસ પર ઉઠ્યા સવાલો: આબુરોડ રાજસ્થાન તરફથી ગુજરાતમાં ઘૂસતા વાહનો રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ અને ગુજરાતની અમીરગઢ ચેકપોસ્ટ ઉપર થઈને પસાર થતા હોય છે. ત્યારે આ બંને ચેકપોસ્ટ પસાર કરીને લાખોનો દારુ ભરેલો ટ્રક ધનપુરા સુધી પહોંચ્યો હતી. જેને સાઈબર ક્રાઈમ ભુજ રેન્જ દ્વારા ઝડપી લેવાયો છે. ત્યારે અમીરગઢ પોલીસની વાહન ચેકિંગ ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે, સ્થાનિક પોલીસ ઊંઘતી રહી ગઈ અને સાયબર ક્રાઈમ ભુજ રેન્જ દ્વારા લાખોનો દારૂ ઝડપી બુટલેગરના કિમીયાને નાકામ બનાવ્યો છે.
ઘાસના પૂળાની આડમાં વિદેશી દારુ: બુટલેગર દ્વારા ટ્રકની અંદર પૂળાની આડમાં 385 પેટીઓમાં 6600 ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો સંતાડવામાં આવી હતી. જે સાઈબર ક્રાઈમ ભુજ રેન્જની સતર્કતા અને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે 22 લાખ 34 હજાર 928ની કિંમતનો દારૂ ઝડપી લેવામાં આવ્યો છે. આ સાથે ટ્રક ચાલક વિનોદકુમાર મુસારામ ગજ્જર રાજસ્થાનવાળાની અટકાયત કરી લેવામાં આવી છે.
પ્રોહીબિશન હેઠળ ગુનો નોંધાયો: સાઈબર ક્રાઈમ ભુજ રેન્જ દ્વારા દારૂ સાથે ટ્રક મળીને કુલ 32 લાખ 45 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને દારૂ ભરાવનાર, દારૂ મંગાવનાર સહિત ચાલક સામે અમીરગઢ પોલીસ મથકે પ્રોહીબિશન હેઠળ ગુનો નોધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, સાઈબર ક્રાઈમ ભુજ રેન્જ દ્વારા બનાસકાંઠામાંથી મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપીને કાર્યવાહી કરવામાં આવી છે. જો કે, આ સમગ્ર મામલામાં સ્થાનિક પોલીસની ચેકપોસ્ટ પર સતત હાજરી હોવા છતાં ટ્રક ક્યાંથી ઘુસી અને કેવી રીતે આટલા સુધી પહોંચી તે સવાલો ચોક્કસ ઉઠાવે છે.
આ પણ વાંચો: