ભાવનગરઃ શહેરમાં પાણીનો કકળાટ ક્યાંકને ક્યાંક જોવા મળતો જ હોય છે. ભાવનગરમાં પાણી માટે 'ટીપડા રાજ' ચાલે છે. રાજકીય પક્ષો ચૂંટણી ટાણે રિક્ષાઓ મૂકે છે જ્યારે પાણી પહોંચાડવા માટે ટાંકા મૂકે છે. પાણીની લાઈન વર્ષો સુધી કોઈપણ સત્તાપક્ષે નખાવી નથી. ગરીબોની જરૂરિયાત ક્યાંક મતો પૂરતી રહી ગઈ હોય તેવું લાગે છે. ભાવનગર શહેરના જોગીવાડ વિસ્તારમાં ઘર દીઠ 2 જ ટીપડા પાણી એકાંતરે દિવસે મળે છે. આ વિસ્તારમાં ETV BHARAT દ્વારા કરવામાં આવ્યું છે ગ્રાઉન્ડ રીયાલિટી ચેક.
પાણીના ટાંકાની પાછળ ગઈ ETV BHARATની ટીમઃ ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પરથી પાણીના ટાંકાઓનું વિતરણ કરવામાં આવે છે. ફિલ્ટ્રેશન પ્લાન્ટથી પાણીના ટાંકાઓ મહા નગર પાલિકાના વોટર વર્કસ વિભાગ અને નગરસેવક દ્વારા માંગણી કરવામાં આવી હોય તે રીતે વિતરીત કરાય છે. ETV BHARATની ટીમ પાણીના ટાંકાની પાછળ જોગીવાડા વિસ્તાર સુધી પહોંચી હતી. સ્થળ ઉપર પહોંચતા જ પાણીનો ટાંકો જ્યાં થોભી ગયો ત્યાં ટીપડાઓની લાઈન જોઈને અમારી આંખો ચોકી ગઈ હતી. 1 નહીં, 2 નહીં પણ ઢગલાબંધ પાણીના ટીપડાઓ મૂકવામાં આવેલા હતા.
પાણીના ટીપડાઓથી જીવન વિતાવતા સ્થાનિકોઃ ભાવનગર શહેરના મધ્યમાં જોગીવાડ વિસ્તારમાં ઘરે ઘરે નળનીની વાત તો દૂર રહી પરંતુ સ્થાનિકો પાણીના ટીપડા ઉપર જીવન વીતાવી રહ્યા છે. અમારી ટીમ આ વિસ્તારમાં પહોંચી ત્યારે ટીપડાઓમાં પાણી ભરવા માટે મહિલાઓનું એક ટોળું એકઠું થઈ ગયું હતું. આ મહિલાઓ પૈકી એક શોભાબેન પરમાર સાથે ETV BHARATએ વાતચીત કરી હતી. જેમાં શોભાબેને જણાવ્યું હતું કે, અમારે પાણીની લાઈન જ નથી ભાઈ, અમારે બારેમાસ ટાંકો એકાંતરે આવે છે. અનેક રજૂઆતો કરી પણ કોઈ ધ્યાન દેતું નથી. ઉપરથી પાણી લઈએ છીએ જેમાં પાણીની મોટર પણ મૂકાય છે. અમારે તો છેલ્લું ઘર છે તેથી પાણી આવતું નથી. અમને અહીં મોટી લાઈન આપે તો જ પાણી આવે. ઘરદીઠ દર 2 દિવસે 2 ટીપડા આવે અમે આ 2 ટીપડા પાણી 2 દિવસ ચલાવીએ છીએ. અહીંયા 15થી વધુ ઘરો છે. વર્ષોથી અમને આ રીતે જ પાણી મળે છે. મારા લગ્ન કર્યાને 13 વર્ષ થયાં મારા સાસુ સસરા ગુજરી ગયા પણ હજૂ સુધી પાણી આવ્યું જ નથી. ચોમાસામાં થોડું થોડું આવે બાકી ટાંકાથી પાણી આવે છે.
અન્ય સ્થાનિકે ઠાલવી હૈયા વરાળઃ જો કે શોભાબેન બાદ વધુ એક મહિલા સાથે ETV BHARATએ વાતચીત કરી હતી. આ મહિલા હર્ષાબેને જણાવ્યું હતું કે, અહીંયા પાણીની લાઈન નથી. દર 2 દિવસે પાણીના ટાંકા આવે છે. અમે ટીપડા મૂકીએ છીએ. ટીપડા પણ ભરાય તો ભરાય. અમને કહેવામાં આવે ત્યાં અમે રજૂઆતો કરીએ છીએ. મારા લગ્નને 17 વર્ષ થયાં પણ આની આ જ પરિસ્થિતિ છે. ચૂંટણી હોય ત્યારે મતો લેવા માટે રીક્ષા મૂકતા રાજકીય પક્ષો પાઈપ લાઈનને બદલે ટાંકાથી પાણી પૂરું પાડે છે.
શું કહે છે મહા નગર પાલિકા?: ભાવનગર વોટર વર્કસ અધિકારી ફાલ્ગુન શાહે જણાવ્યું હતું કે, મહા નગર પાલિકાના વોટર વર્કસ વિભાગ દ્વારા જે વિતરણ કરવામાં આવતું હોય તે જગ્યાએ કોઈ લોકેશન પર કોઈ કામ ચાલતું હોય, કોઈ લીકેજનું કામ, કોઈ ગંદા પાણીની ફરિયાદને લીધે ત્યાં લાઈન પરનું રીપેરીંગ કામ ચાલતું હોય તેવી પરિસ્થિતિમાં ફિલ્ટર વિભાગને ટેન્કર લખાવી અને ત્યાં ટેમ્પરરી ધોરણે ટાંકાથી પીવાનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. પાણીની લાઈન ના હોય તેવા વિસ્તારમાં પણ તબક્કાવાર નેટવર્ક નાખવાની પણ કામગીરી ચાલતી હોય છે. અત્યારે ભાવનગર શહેરનો લગભગ 95 થી 98 ટકા વિસ્તાર આવરી લેવાયો છે. તેમજ નવા ભળેલા ગામોના વિસ્તારોમાં પણ નેટવર્કની કામગીરી સતત ચાલુ છે. જે જગ્યાએ ટેન્કરોની વાત છે તો તેમાં મહા નગર પાલિકા દ્વારા દૈનિક ધોરણે ફિલ્ટર વિભાગને લખાવતું હોય એ 5 થી 7 ટેન્કરની એવરેજ હોય છે.