ભાવનગર : ગુજરાતના મુખ્યપ્રધાન ભાવનગર વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે આવી પહોંચ્યાં હતાં. ત્યારે તેમનુંએરપોર્ટ પર સ્વાગત કરવા મેયર ભરતભાઇ બારડ, સાંસદ ભારતીબહેન શિયાળ, ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, સેજલબહેન પંડ્યા, મહંત શંભુનાથજી ટુંડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબહેન મિયાણી, આઇ.જી. ગૌતમ પરમાર, કલેક્ટર આર.કે. મહેતા, મ્યુનિસિપલ કમિશનરશ એન.વી. ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી જી.એચ. સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ આર ડી મકવાણા, હરુભાઈ ગોંડલીયા અને પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ઉપસ્થિત રહ્યાં હતાં.

અનેક કામોનું લોકાર્પણ : ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ભાવનગર આંગણે પધારીને 396.34 કરોડના કામોના લોકાર્પણ કર્યા હતાં.યશવંતરાય નાટ્યગૃહનું 1.47 કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ પંડિત યશવંતરાય પુરોહિતની પ્રતિમાને પુષ્પ અર્પણ કરતું હતું. આ સાથે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાનારાં 27.36 કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોનું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં આનંદનગર લાયબ્રેરી, વોટર સપ્લાય નેટવરર્ક, પૂર્વ વિસ્તારનાં રસ્તાઓ, મહિલા કોલેજ ગાર્ડન બ્યુટિફિકેશન સહિતનાં કામોનું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
પોલીસ મહાનિરીક્ષકની નવનિર્મિત કચેરી લોકાર્પિત : મુખ્યપ્રધાન બાદમાં પોલીસ મહાનિરીક્ષકની નવનિર્મિત કચેરી ખાતે પોહચીને કચેરીના સંકુલની મુલાકાત કરી હતી. સંકુલમાં આવેલા કષ્ટભંજન હનુમાનજીના મંદિરે દર્શન કરી મુખ્યમંત્રીએ કચેરીની મુલાકાતની શરૂઆત કરી હતી. ત્યારબાદ ગાર્ડ ઓફ ઑનર આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાવનગર રેન્જનાં 3.89 કરોડ રૂપિયાનાં ખર્ચે તૈયાર પોલીસમહાનિરીક્ષકની નવનિર્મિત કચેરીનું લોકાર્પણ કર્યું હતું.
363.62 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ : ગુલિસ્તા મેદાન ખાતે મુખ્યપ્રધાન દ્વારા 363.62 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનાં ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન માટેનાં 91 વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતુ તેમજ આપત્તિ વ્યવસ્થાપન માટેની બે એમ્બ્યુલન્સ અને એક બોટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાવનગર મહાનગરપાલિકા, નગરપાલિકાઓનાં પ્રાદેશનિક કમિશનર, માર્ગ અને મકાન વિભાગ, સર્વ શિક્ષા અભિયાન, ભાવનગર સિંચાઇ યોજનાનાં કુલ 363.62 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
મુખ્યપ્રધાનના આગમન સમયે હાજર નેતાઓને લઇ ચર્ચા : ભાવનગર શહેરમાં મુખ્યપ્રધાનના અનેક લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો થયા છે. ત્યારે મુખ્યપ્રધાનના કાર્યક્રમને લઈને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ઉપસ્થિતિ પણ લોકસભાની ચૂંટણીના પગલે ચર્ચામાં રહી હતી. જો કે ભાવનગરને કરોડો રૂપિયાના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તો થયા છે. ભાવનગરની બેઠક ઉપર હજુ પણ ભાજપના ઉમેદવાર જાહેર થવાના બાકી છે ત્યારે પૂર્વ મંત્રીઓની હાજરી લોકસભા ચૂંટણી ઉમેદવાર મુદ્દે અનેક અટકળો ઊભી કરી રહી છે.