ભાવનગરઃ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ માથુ ઉચકી રહ્યો છે ત્યારે ભાવનગર જિલ્લા અને શહેરમાં કાચા મકાનનો પગલાં સર્વે કરવામાં આવ્યો છે. શહેર અને જિલ્લા બંનેના આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય કેન્દ્ર ઉપર પણ બાજ નજર રાખીને રિપોર્ટ કરાવવામાં આવી રહ્યા છે. જો કે ભાવનગર શહેરમાં કે જિલ્લામાં એક પણ ચાંદીપુરા કેસ નોંધાયો નથી.
ભાવનગર શહેર અને ચાંદીપુરા વાયરસઃ ભાવનગર શહેરમાં ચાંદીપુરાનો એક પણ કેસ નોંધાયો નથી. ચાંદીપુરા વાયરસને પગલે આરોગ્ય વિભાગ એલર્ટમોડમાં છે. ભાવનગર મહા નગર પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી આર. કે. સિંહા જણાવ્યું હતું કે, ભાવનગર શહેરમાં ચાંદીપુરા વાયરસ મુદ્દે તમામ વોર્ડમાં અમારા તરફથી કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં 1966 કાચા મકાનનો સર્વે કરવામાં આવ્યો છે. આ સાથે જે નાના બાળકો હોય છે એને લઈને પણ સર્વે કરવામાં આવ્યો છે. દરેક આરોગ્ય કેન્દ્ર ઉપર પણ સાવચેતી રાખીને રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. હાલમાં એક મહિનામાં 700 જેવા તાવના કેસો સામે આવ્યા છે.
ભાવનગર જિલ્લો અને ચાંદીપુરા વાયરસઃ ભાવનગર જિલ્લામાં જિલ્લા પંચાયતનો આરોગ્ય વિભાગ એલર્ટ પર છે. તળાજામાં આવેલ શંકાસ્પદ કેસનો રિપોર્ટ નેગેટીવ આવતા લોકોએ અને તંત્રએ હાશકારો અનુભવ્યો છે. ભાવનગર જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણીકુમારે જણાવ્યું હતું કે, જિલ્લાના તળાજાના સરતાનપર ગામે એક બેબીને ચાંદીપુરા જેવા વાયરસના લક્ષણો દેખાણા અને સર ટી હોસ્પિટલમાં દાખલ કર્યા અને તેના રિપોર્ટ કરીને પૂના મોકલ્યા હતા અને સાથે સાથે સારવાર પણ શરૂ કરી હતી. સારવારને લીધે એની તબિયત ખૂબ સારી થઈ ગઈ. ચાંદીપુરા વાયરસને લીધે જિલ્લામાં કાચા મકાનોમાં સર્વે કરવામાં આવ્યા. જેમાં આપણને સર્વેમાં 3760 જેટલા મકાનોમાં મેલેથોન દવાનો છંટકાવ કરવામાં આવ્યો. આઠ લાખ કરતા વધુ મકાનોમાં સર્વે કરીને બાળકોના પણ રિપોર્ટ કરવામાં આવ્યા, આમ તો સારી વાત એ છે કે એક પણ કેસ સામે આવ્યો નથી.
અગાઉ લીધેલ સાવચેતીના પગલાંથી ફાયદોઃ ભાવનગર શહેર અને જિલ્લામાં ચાંદીપુરા વાયરસને પગલે મહા નગર પાલિકા અને જિલ્લા પંચાયતે મેલેથોન નામની દવાનો છંટકાવ કર્યા બાદ ચાંદીપુરા વાયરસ તો સામે નથી આવ્યો, પરંતુ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અન્ય વાયરસોને કારણે શરદી ઉધરસ અને તાવના વાયરસમાં ઘટાડો થયો છે. મચ્છરોનો ત્રાસ ઓછો થવાથી તાવના કેસમાં ઘટાડો થયો છે, જેથી તેના કેસ ઓછા નોંધાઈ રહ્યા છે.