ભાવનગર : શહેરમાં વારંવાર દારૂ પકડવામાં ભાવનગર LCB પોલીસ સફળ રહી છે. ત્યારે ફરી શહેરમાં એન્ટ્રી મારતા મસમોટો દારૂનો જથ્થો LCB પોલીસે ઝડપી લીધો છે. પોલીસે એક શખ્સ અને મુદ્દામાલ કબ્જે લઈને વેળાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ સોંપી છે.
શહેરમાં પ્રવેશતો દારૂ ભરેલો ટ્રક : ભાવનગર LCB પોલીસને બાતમી મળી હતી કે મહારાષ્ટ્રથી એક દારૂ ભરેલો ટ્રક ભાવનગરમાં આવી રહ્યો છે. જેને પગલે ભાવનગર LCB પોલીસ સનેસ ચોકડીથી કાળા તળાવ નિરમા કંપની તરફ જવાના ત્રણ રસ્તે વોચમાં ગોઠવાઈ ગઈ હતી. ત્યારે બાતમી વાળો ટ્રક GJ 27 TD 2454 આવતા તેની તપાસ કરતા તેમાંથી મસમોટો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
એક શખ્સ સાથે દારૂનો જથ્થો : ભાવનગર LCB પોલીસે કાળા તળાવ નિરમા તરફ જવાની ચોકડીથી ભાવનગરના મફતનગરમાં સ્ટીલ કાસ્ટ પાસે રુવાપરી રોડના રહેવાસી રમેશભાઈ ઉર્ફે બાદશાહ તળશીભાઈ ગોહેલને GJ 27 TD 2454 ટ્રક સાથે ઝડપી લીધો હતો. ટ્રકમાં તપાસ કરતા દારૂની નાની મોટી બોટલ 360 નંગ અને બિયરના ટીન નંગ 24 મળીને કુલ 3,44,388 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેથી ધોરણસર શખ્સની અટકાયત કરીને વેળાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી સોંપી હતી.
ભાવનગર LCB પોલીસની કાર્યવાહી : ભાવનગર LCB પોલીસે ઝડપેલા ટ્રકમાંથી દારૂની સાથે મળી આવેલા શખ્સ રમેશભાઈ ઉર્ફે બાદશાહ તળશીભાઈ ગોહેલ વિરુદ્ધ અગાઉ ઘોઘા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ગુનો નોંધાયેલો છે. જોકે, પોલીસે હાલ દારૂ સહિત કુલ 13,44,888 નો મુદ્દામાલ કબજે લઈને વેળાવદર પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધીને આગળની કાર્યવાહી સોંપી છે. ઉપરોક્ત માહિતી LCB પોલીસે પૂરી પાડી હતી.