ભાવનગર: શહેરમાં મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ વિભાગને 13 વોર્ડ માટે ઇ રિક્ષા મળી હતી. ફોટોમાં દર્શાવ્યા અનુસાર 2019માં આ રિક્ષા આપ્યા બાદ દોઢ વર્ષ કરતા વધુ સમયથી ભંગાર હાલતમાં હજુ પણ સડી રહી છે. આ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા મનપા પાસેથી એક ઈ રિક્ષાની માંગ કરવામાં આવી છે.

ઇ રિક્ષા સંસ્થા તરફથી સ્વચ્છતાના પગલે મળેલી: ભાવનગર મહાનગરપાલિકાને સામાજિક સંસ્થા દ્વારા 2019 માં 13 વોર્ડ માટે 13 જેટલી ઈલેક્ટ્રીક રિક્ષાઓ આપવામાં આવી હતી. મહાનગરપાલિકાએ 2019માં સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને 13 વોર્ડમાં એક પોલીસ કર્મચારી,એક મહાનગરપાલિકાના કર્મચારી, ડ્રાઇવર સહિતની એક ટીમ બનાવીને જાહેરમાં કચરો ફેકનાર સામે કાર્યવાહી કરવા માટે ઈ રિક્ષાને વોર્ડમાં ફેરવવામાં આવતી હતી. જો કે 2019 માં ઈ રિક્ષા મારફત 4.50 લાખ જેવો દંડ મેળવવામાં મહાનગરપાલિકાને સફળતા મળી હતી.

ટેન્ડરિંગ પ્રક્રિયા સમાપ્ત થઈ નથી: મહાનગરપાલિકાએ સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને 13 વોર્ડમાં ઈ રિક્ષાનો પ્રારંભ કર્યો હતો, અને દંડની મોટી રકમ પણ ભેગી કરી હતી. તમને જણાવી દઈએ કે, એક ઇ રિક્ષા પાછળ 50000 જેટલો ખર્ચ થતો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. જોકે ગત જુલાઈ માસમાં ઈ રિક્ષાને લઈને સમાચાર હતા ત્યારે પણ અધિકારીએ ટેન્ડરિંગ પ્રક્રિયા હાલ શરૂ છે તેમ જણાવ્યું હતું, ત્યારે હાલ પણ સોલીડ વેસ્ટ વિભાગના અધિકારી ફાલ્ગુન શાહએ જવાબ આપતા એ જ જણાવ્યું કે, ટેન્ડરિંગ પ્રક્રિયા હતા ધરવામાં આવી છે. અહી નોંધનીય બાબત એ છે કે, જુલાઇથી લઈને સપ્ટેમ્બર સુધી ટેન્ડરિંગ પ્રક્રિયા સમાપ્ત થઈ નથી.

સોલીડવેસ્ટ વિભાગનો જવાબ: ભાવનગર મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ વિભાગના અધિકારી ફાલ્ગુન શાહે જણાવ્યું હતું કે, 'ભાવનગર મહાનગરપાલિકા પાસે 13 ઇ રિક્ષા છે તેને આઉટસોર્સીગથી ચલાવવાનો નિર્ણય કરાયો છે. તેને ચલાવવા આપવા માટેની ટેન્ડર પ્રક્રિયાની કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં તેને કાર્યરત કરી અને શહેરમાં દરેક વોર્ડમાં તેનો મહાનગરપાલિકા દ્વારા વિવિધ કામગીરી માટે ઉપયોગ કરવામાં આવનાર છે.'

આરોગ્ય વિભાગે માંગી ઇ રિક્ષા: તમને જણાવી દઈએ કે, વિભાગ દ્વારા ફક્ત એક જ ઈ રિક્ષાની માગણી કરવામાં આવેલી છે, પરંતુ હાલમાં ઈ રિક્ષાની ટેન્ડરની પ્રક્રિયા શરૂ હોવાથી તેનો નિર્ણય લેવાનો બાકી છે. આ મુદ્દે આરોગ્ય વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, 'ઘણી વખત વધુ પ્રમાણમાં સેમ્પલ લેવાના હોય છે પરિણામે સામાન પણ વધી જાય છે. જેથી મહાનગરપાલિકાના પૈસા પેટ્રોલમાં જાય છે. જો ઈ રિક્ષા આપવામાં આવે તો ખર્ચ ઘટશે અને આરોગ્ય વિભાગને વધુ સેમ્પલિંગ કરવા જવામાં હાલાકી નહિ ભોગવવી પડે.'

આ પણ વાંચો: