ભાવનગરઃ ગત વિધાસભા ચૂંટણી અગાઉ બોરતળાવમાં કરોડોના ખર્ચે ફુવારો ગુજરાત ટૂરિઝમ વિભાગ દ્વારા મહા નગર પાલિકાને અર્પણ કરવામાં આવ્યો હતો. કેટલાક દિવસો ફુવારાનું ટેસ્ટિંગ કરાયું, ભાવનગરવાસીઓને મોજ પણ કરાવામાં આવી. જો કે ત્યારબાદ ફુવારો સાર સંભાળ અને સમારકામને અભાવે મરવા પડ્યો છે. ભાવનગરવાસીઓ ટેક્સના રુપે જે નાણાં કોર્પોરેશનને જમા કરાવે છે તેના બદલામાં પૂરી પડાતી આ સુવિધા બિસ્માર થવાથી કહી શકાય કે મનપાએ નાગરિકોના કરોડો પાણીમાં ડુબાડ્યા.
5 દિવસ ફુવારો ચાલ્યોઃ ભાવનગર શહેરના બોરતળાવમાં સહેલાણીઓને આકર્ષવા માટે ટૂરિઝમ વિભાગે કલરફુલ લાઈટિંગ વાળો ફુવારો મહાનગરપાલિકાને આપ્યો હતો. ફુવારો 5 દિવસ ચાલ્યો. ત્યાર બાદ ફુવારો ચાલુ કરવામાં આવ્યો નથી. આ ફુવારો બંધ હાલતમાં 1 વરસ કરતા પણ વધુ સમયથી હોવાને લીધે મરવા પડ્યો છે. તેની પાઈપલાઈન કટાઈ ગઈ છે. તેમાં રહેલા વાયરો પણ કવર વિનાના થઈ ગયા છે. ટૂંકમાં ફુવારાનો મોટો ભાગ સડી ગયો છે. સૂત્રો અનુસાર આ ફુવારાને ચલાવવા માટે જે વ્યક્તિ જોઈએ તે કોન્ટ્રાક્ટર પાસે ઉપલબ્ધ નથી. તેથી ફુવારો બંધ છે.
આ ફુવારો ગત વિધાનસભા પહેલા ગુજરાત ટૂરીઝમ દ્વારા 1.91 કરોડના ખર્ચે આપવામાં આવ્યો હતો. આ ફુવારાનું લોકાર્પણ મુખ્ય પ્રધાને કર્યુ હતું. આ ફુવારોને મેન્ટેનન્સની જરુર છે. થોડા દિવસમાં અમે તેને પુનઃ શરુ કરીશું...એન. વી. ઉપાધ્યાય (કમિશ્નર, ભાવનગર મહા નગર પાલિકા)
આપણે ત્યાં કહેવત છે "પૈસા ગયા પાણીમાં" તેમ મહા નગર પાલિકાને આપવામાં આવેલો ફુવારો પણ 1 વર્ષથી તે બંધ છે. તેનું કારણ એ આપવામાં આવે છે કે, જે કોન્ટ્રાક્ટરને કામ સોપ્યું છે તેની પાસે માણસ નથી. પરંતુ મેન્ટેનન્સ તો મહા નગર પાલિકાને જ કરવાનું રહેશે એટલે તેનો ખર્ચો માથે પડશે. કોન્ટ્રાક્ટર અને શાસકોની બેદરકારી કહો કે મીલીભગત પણ આ ફુવારા બાબતે આવડત નથી તે સાબિત થાય છે...પ્રકાશ વાઘાણી(પ્રમુખ, શહેર કૉંગ્રેસ, ભાવનગર)