ભાવનગરઃ સમગ્ર વિશ્વમાં 3 ફિટની હાઈટ ધરાવતા ડૉક્ટર ભાવનગર સિવાય ક્યાંય નહીં હોય. હા, ભાવનગર જિલ્લાના સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા અને ઓછી ઊંચાઈ ધરાવતા ડૉ. ગણેશ બારૈયા આજે MBBS પૂર્ણ કરીને સર ટી હોસ્પિટલમાં ઈન્ટરનશીપ કરી રહ્યા છે. ખેતરથી હોસ્પિટલ સુધીની તેમની સંપૂર્ણ સફર ડૉ. ગણેશ બારૈયાએ ETV BHARATને વર્ણવી છે. વાંચો અનોખા ડૉ. ગણેશ બારૈયા વિશે વિગતવાર.
ડૉક્ટરની ડીગ્રી મેળવવા અપાર સંઘર્ષઃ "મન હોય તો માળવે જવાય" આ કહેવતને સાર્થક કરી છે ભાવનગર જિલ્લાના ગોરખી ગામના રહેવાસી ડૉક્ટર ગણેશ બારૈયાએ. ડૉ. ગણેશ બારૈયા માત્ર 3 ફિટની ઊંચાઈ ધરાવે છે. તેમને 12 સાયન્સ કર્યા પછી ડૉક્ટરની ડિગ્રી મેળવવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તેમને MBBSમાં અભ્યાસ પૂર્ણ કર્યો અને તેઓ હાલમાં ઈન્ટર્નશિપ કરી રહ્યા છે. જો કે 7 બહેનોનો લાડકો નાનો ભાઈ ખેતરમાંથી ઉભો થઈને ડૉક્ટર બનીને વિશ્વ વિખ્યાત બન્યો છે.
અતિ પછાત પારિવારીક પૃષ્ઠભૂમિઃ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગોરખી ગામે રહેતા કોળી સમાજના વિઠ્ઠલભાઈ બારૈયાને 7 દીકરીઓ અને 2 દીકરા છે. જેમાં આઠમા નંબરનો ડૉ. ગણેશ બારૈયા હાલ 23વર્ષની ઉંમરે સર ટી હોસ્પિટલમાં ઈન્ટરશીપ કરી રહ્યો છે. જ્યારે તેનાથી નાનો ભાઈ પણ અભ્યાસ કરી રહ્યો છે. ડૉ. ગણેશે જણાવ્યું હતું કે, તેમને ગોરખી ગામની પ્રાથમિક શાળામાં અને બાદમાં તળાજાની નીલકંઠ વિદ્યાપીઠમાંથી 12 સાયન્સ 87 ટકા સાથે પાસ કર્યું હતું. નીટની એક્ઝામમાં તેઓ 720 માંથી 233 લઈ આવ્યા હતા. જો કે ત્યારબાદ મેડિકલ કાઉન્સિલના નનૈયાને પગલે તેમને ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો.
શારીરિક ઊંચાઈને લીધે કોર્ટના દ્વાર ખખડાવ્યાઃ ગોરખી ગામમાં રહેતા વિઠ્ઠલભાઈ બારૈયાને ત્યાં એક 1/7/2001 ના રોજ પુત્રનો જન્મ થયો તેનું નામ ગણેશ રાખવામાં આવ્યું હતું. ગણેશની ઊંચાઈ વધી નહીં અને માત્ર 3 ફિટ રહી હતી. ગણેશની ઊંચાઈ નહિ હોવાને પગલે તેને 12 સાયન્સ કર્યા બાદ નીટની પણ એક્ઝામ પાસ કરી હોવા છતાં મેડિકલ કાઉન્સિલે તેની ઊંચાઈને પગલે MBBSમાં એડમિશન આપ્યું નહીં, પરંતુ તળાજાની નીલકંઠ વિદ્યાપીઠના દલપતભાઈ અને રૈવતસિંહ સરવૈયાના સહકારથી તેમને સાંસદ ભારતીબેન શિયાળ, પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને તે સમયના કલેકટર હર્ષદ પટેલ સાથે પણ ચર્ચાઓ કરી હતી. અંતે હાઈકોર્ટમાં જવાનો નિર્ણય કરવામાં આવ્યો.
હાઈકોર્ટમાં નિરાશા મળી તો સુપ્રીમકોર્ટમાં ગયાઃ કોર્ટમાં જવાનું આવતા આર્થિક પરિસ્થિતિને પગલે ગણેશના પિતા વિઠ્ઠલભાઈએ નનૈયો ફરમાવ્યો હતો. પરંતુ તળાજા નીલકંઠ વિદ્યાપીઠના દલપતભાઈ અને રૈવતસિંહે હાઈકોર્ટમાં અરજી કરી. વડોદરાની શેખ મુસ્કાન અને રાજકોટની હીના માવસિયા સાથે અરજી કરી હતી. જો કે ત્યાંથી પણ હાર મળતા અંતે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટે અંતે આદેશ કર્યો હતો કે PWD ના નિયમ મુજબ 40 થી 80 ટકા પ્રમાણે તમને MBBSમાં પ્રવેશ મળી શકે છે. આમ, 1 ઓગસ્ટ 2019માં MBBSમાં પ્રવેશ મેળવ્યો હતો.
અંગ્રેજીમાં MBBS થોડું કપરું, પણ હાર ન માનીઃ ડૉક્ટર ગણેશ બારૈયાએ 2019માં એમબીબીએસમાં પ્રવેશ મેળવતાની સાથે જ અભ્યાસનો પ્રારંભ કર્યો હતો. જો કે સ્થાનિક કક્ષાએ ગુજરાતી ભાષા હોય ત્યારે અંગ્રેજીમાં તેને તકલીફ ભારે પડતી હતી. આથી મેડિકલ કોલેજના ડીન અને તેના સહભાગી સાથીઓ તેમજ પ્રાધ્યાપકોના સહકાર મળવાને પગલે તેને એમબીબીએસનો પણ અભ્યાસ પૂર્ણ કરીને ડીગ્રી પ્રાપ્ત કરી લીધી. ત્યારબાદ ભાવનગર સર ટી હોસ્પિટલમાં હાલ ઈન્ટરનશીપ કરી રહ્યા છે.
શું કહે છે ડૉ. ગણેશ બારૈયાના ડીન?: ભાવનગર મેડિકલ કોલેજના એડિશનલ ડીન ડોક્ટર અમિત પરમારે જણાવ્યું હતું કે, ગણેશ બારૈયાનું 2019માં એડમિશન અન્ડર ગ્રેજ્યુએટમાં એમબીબીએસના કોર્સમાં થયું હતું. અમને ખ્યાલ છે તેમની હાઈટ 3 ફિટ છે. જો કે હાઈટના કારણે શરુઆતમાં ઘણો સંઘર્ષ તેમને કરવો પડયો. સુપ્રીમ કોર્ટનો ઓર્ડર લઈને તેમને 2019ની બેંચમાં પ્રવેશ મેળવેલો. ગણેશ બારૈયા ખૂબ મહેનતું વિદ્યાર્થી છે તેમને થર્ડ પાર્ટ-ટુ એકઝામ પૂરી કરી એમબીબીએસ થયો છે. હાલમાં તેમની ઇન્ટરનશીપ ચાલી રહી છે. બાદમાં તે ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરશે. જો કે તેમને ક્યારેય તકલીફ પડી નથી અને તેમને આ અંગે કંઈ કહ્યું પણ નથી. આમ છતાં, મેડિકલ કોલેજના શિક્ષકો અને સાથી મિત્રોનો તેને સાથ મળતો રહ્યો છે.
શું ડૉ. ગણેશ બારૈયાની ઈચ્છા?: ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ઈન્ટરનશીપ કરતા ડૉ. ગણેશે સાથે ETV BHARATએ ખાસ વાતચીત કરી ત્યારે તેમને જણાવ્યું હતું કે, તેમનો એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો છે. હાલમાં તેઓ ઈન્ટર્નશિપ કરી રહ્યા છે. જો કે તે આગળ જઈને ડરમેટોલોજીમાં PG કરવા માંગે છે. હાલમાં તેમને માનવતા મહેક ફાઉન્ડેશન પણ બનાવ્યું છે. પીજીમાં ડરમેટોલોજિસ્ટ બનીને તે ચામડી રોગના નિષ્ણાત થવા ઈચ્છે છે.