ભાવનગરઃ ભાવનગર શહેરમાં નારી ચોકડીથી લઈને શહેરમાં પ્રવેશવામાં આવે છે ત્યારે હવે અન્ય વિકલ્પમાં રહેલા રસ્તાઓને ફોરટ્રેક કરવામાં આવી રહ્યા છે. દરેક તરફથી શહેરમાં આવતા રોડ સિંગલ પટ્ટી હતા તેને મહાનગરપાલિકાએ ફોર ટ્રેક બનાવવા કમરકસી છે. ભાવનગરમાં પ્રવેશવાના દરેક રસ્તાઓને મહાનગરપાલિકા દ્વારા ફોરટ્રેક બનાવા માટે હાથ ઉપર કામગીરી લીધી છે. ત્યારે અમદાવાદ ધોલેરા હાઇવે પર પણ દસનાળાનો માર્ગ મોટો કરવા માટે મંજૂરી કરોડો રૂપિયાની આપી દેવાઈ છે. આ સાથે જ્યાં માર્ગ ફોરટ્રેક થશે.
પ્રવેશ માર્ગની સ્થિતિથી સમસ્યાઓ
ભાવનગર શહેરમાં પ્રવેશવા માટે અમદાવાદ અને રાજકોટ તરફથી નારી ચોકડી થઈને આવવું પડે છે, ત્યારે નારી ચોકડીથી લઈને શહેરની અંદર સુધી ફોરલેન અને સિક્સલેન રોડ છે. જોકે હાલ રાજકોટ રોડ ઉપર ફ્લાય ઓવર બ્રીજની કામગીરીને કારણે ડાયવર્ઝનનો મોટો પ્રશ્ન છે, ત્યારે મહાનગર પાલિકાએ શહેરના અન્ય દસનાળાથી કુંભારવાડાનો માર્ગ અને મહુવાથી આવતા અધેવાડાના મુખ્ય માર્ગના રસ્તાઓને પગલે પડતી ટ્રાફિક સમસ્યાઓને હલ કરવા માટે કમરકસી લીધી છે. જો કે અમદાવાદથી આવતા લોકોને એકમાત્ર માર્ગ નારી ચોકડીથી મળતો હતો. જ્યારે દસનાળાનો માર્ગ સાંકડો હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. આથી દરેક એન્ટ્રી પોઇન્ટ સુધારા માટે હાથ ઉપર લેવાયા છે.
ક્યાં રોડની કામગીરી હાલ શરૂ
મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયાએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા શહેરના દરેક એન્ટ્રી પોઇન્ટ ઉપર રસ્તાઓ મોટા કરવા માટે કામગીરી હાથ ઉપર લીધી છે. મહુવાથી આવતા હાઈવેના માર્ગ ઉપર અધેવાડાથી લઈને શિવકુંજ આશ્રમ સુધી ફોરટ્રેકની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ઘોઘાથી ભાવનગર આવતા માર્ગમાં પણ અકવાડાથી ફોર ટ્રેક રોડની હાઈવે સુધીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આમ એન્ટ્રી પોઇન્ટમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય નહીં તેને પગલે કામગીરી પૂરજોશમાં છે.
દસનાળા રોડ કરોડોના ખર્ચે મંજુર કરાયો
ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયાએ જણાવ્યું હતું કે, ભાવનગર અમદાવાદ ધોલેરા હાઇવે ઉપર લોકોને શહેરમાં પ્રવેશવા માટે નારી ચોકડી થઈને આવવું પડે છે ત્યારે નારી ચોકડી પહેલા દસનાળાથી કુંભારવાડા આવવાના સિંગલ પટ્ટી રોડને મહાનગરપાલિકા ફોરટ્રેક રોડ બનાવશે. દસનાળાથી કુંભારવાડા સુધીના સિંગલ પટ્ટી રોડને ફોરટ્રેક બનાવવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં 32 કરોડની કામગીરીના ઠરાવને મંજૂરી આપી દેવાઈ છે. જેથી અમદાવાદથી આવતા લોકો દસ નાળાથી પણ ભાવનગરમાં સરળતા થી પ્રવેશી શકશે જેથી ટ્રાફિકની સમસ્યા આગામી દિવસોમાં સર્જાશે નહીં.