ભરૂચ: ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ભરૂચ જિલ્લા પોલીસ હેડ કવાટર્સ ખાતે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ મહેશકુમાર અરશીભાઈ સોલંકીએ તેમની પત્ની જે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પોલીસ મથકમાં વુમન પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેમની સાથે થતા ઝઘડાને લઈને તેમની પત્નિને દબાણમાં રાખવા કે અન્ય કોઇક ઉદેશ્ય સાથે પોલીસ અધિક્ષક કચેરીના હુકમનો 2024નો પોતાનો ફરજ મોકૂફીનો હુકમ દર્શાવતો ખોટો બનાવતી પત્ર કોમ્પ્યુટરમાં બનાવ્યો હતો. તેની પ્રિન્ટ કાઢી ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકના હોદ્દા નીચે મયુર ચાવડાની ખોટી સહી કરી અને પોતાના મોબાઈલમાં ડોક્યુમેન્ટ સ્કેન કરી પીડીએફ બનાવી તેમની પત્નીને વોટ્સેપ મારફતે મોકલતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.
તપાસ અધિકારી ડીવાયએસપી સી.કે.પટેલે પત્રકાર પરિષદમાં માહિતી આપતા કહ્યું હતું કે "આરોપી મહેશકુમાર અરશીભાઈ સોલંકીએ પોતાની ફરજ મોકૂફીનો બનાવટી પત્ર બનાવી તેમની પત્નિને ખરા તરીકે મોકલ્યો હતો. સાથે જ પુરાવાનો નાશ કરી કોમ્પ્યુટરમાંથી ડિલીટ કરી નાખી તેમજ પ્રિન્ટ લેટર પણ ફાડી નાખ્યો હતો. જે સંદર્ભે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધી છે. હાલ પોલીસે કોન્સ્ટેબલ મહેશકુમાર અરશીભાઈ સોલંકીની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરી તેના રીમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે.