ભાવનગર: માણસની અંતિમ સફર સ્મશાનમાં હોય છે. સામાજિક બદલાયેલા સમીકરણોમાં પહેલાની જેમ કોઈનું મૃત્યુ થાય તો પાડોશી કે સગા વહલાઓ સ્મશાન સુધી જવાનું ટાળવા લાગ્યા છે. ત્યારે પોતાના સ્વજનને અંતિમ સંસ્કાર કરી રહ્યા હોય તેવી ભાવના સાથે ભાવનગરના ભરત મોણપરા બિનવારસી અજાણ્યા મૃત્યુ પામેલા લોકોના અગ્નિ સંસ્કાર કરે છે. માત્ર અગ્નિ સંસ્કાર નહિ પણ આગળ ધાર્મિક રીતે પણ ઘણું કાર્ય કરે છે. જો કે ભરત મોણપરાને પ્રેરણા ગુજરાતની મોટી હોનારત બાદ મળી છે. ચાલો બધું જાણીએ.
ભરત મોણપરા એક દાયકાથી કરે છે અગ્નિ સંસ્કાર: ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં રહેતા ભરત મોણપરા છેલ્લા એક દાયકા થી મૃત્યુ પામેલા લોકોના અગ્નિસંસ્કારની કામગીરી માનવતા રાખીને કરી રહ્યા છે. ભરત મોણપરાએ જણાવ્યું હતું કે, આ જે મૃતદેહો છે એ ઘણીવાર દરિયામાંથી મળે છે અથવા ભિક્ષુક હોય છે. રોડ રસ્તા પર એકસીડન્ટ થયેલા બિનવારસી હાલતમાં મળે છે અને જેને ત્રણ દિવસ સુધી સર ટી હોસ્પિટલમાં કોલ્ડ રૂમમાં રાખવામાં આવે છે અને ત્યાર પછી અમને સોંપવામાં આવે છે. 12 વર્ષ પહેલા એક ડેડબોડી ગઢડાના એક માતાની હતી અને એ અમને આપી હતી, અને ત્યારથી અમે અગ્નિસંસ્કાર કરીએ છીએ. કોઈપણ જાતના સ્વાર્થ વગર અત્યાર સુધીમાં 75 થી 80 જેટલા અગ્નિસંસ્કાર અમે કર્યા છે. આમ તો કોરોનાકાળમાં તો અમે દોઢ વર્ષ આ જ કામ કર્યું હતું, પણ 10 થી 12 વર્ષથી કામ કરીને 75 થી 80 જેટલી બોડીના અમે નિસ્વાર્થ અગ્નિસંસ્કાર કર્યા છે.
એક મૃતદેહ પાછળ કેટલો ખર્ચો: ભાવનગરના ભરત મોણપરા વર્ષોથી બિનવારસી લોકોના મૃતદેહના સંસ્કાર કરીને તેની ધાર્મિક વિધિ પણ દરિયા કિનારે જઈને કરે છે, ત્યારે સગા સંબંધી અને પાડોશીને પ્રેરણા આપતા ભરતભાઈના કાર્યને સૌ કોઈ સ્વીકારી રહ્યા છે, જો કે એક મૃતદેહ પાછળ કેટલો ખર્ચ થાય છે તેને લઈને તેમને જણાવ્યું હતું કે, આ ખર્ચમાં ઘણીવાર દાતા મળી જાય છે અને ઘણીવાર સ્મશાનના ટ્રસ્ટીઓ હોય એ પૈસા પણ નથી લેતા અને ક્યારેક અમે લાકડાના પૈસા પણ આપી દઈએ છીએ. જો કે એક મૃતદેહના અગ્નિસંસ્કાર પાછળ 1500 થી 2,000નો ખર્ચો લાગે છે.
ગુજરાતની કઈ હોનારતમાંથી પ્રેરણા મળી: પોતાના સગા સંબંધી ના હોવા છતાં પણ બિનવારસી લોકોના અગ્નિસંસ્કાર કરવા અને તેને ધાર્મિક વિધિ પ્રમાણે મોક્ષ પણ આપવો એ ખૂબ જ અઘરું કામ છે. ત્યારે આ પ્રેરણા ક્યાંથી મળી તેને લઈને ભરત મોણપરાએ જણાવ્યું હતું કે, આમ તો અમને 1983 માં જે જૂનાગઢમાં હોનારત થઇ હતી. વંથલી પાસે સાતલપુર મારુ ગામ છે એ અમારા ગામમાં 35 થી 40 બોડી આવી મળી હતી. માંગરોળમાં શારદા ગામ સંસ્થા છે ત્યાંના વિદ્યાર્થીઓ બિનવારસી લાશોને સળગાવવા માટે આવ્યા હતા અને મારા ગામમાં અમે એ લોકોને મૃતદેહ બતાવવા જતા હતા. કે અહીંયા એક લાશ પડી છે ત્યારે તે લોકો કેરોસીન, પેટ્રોલથી અગ્નિસંસ્કાર કરતા હતા ત્યારથી મને આ કાર્ય કરવાની પ્રેરણા મળી છે.