પોરબંદર: ભારતમાં શ્રેષ્ઠ દરિયા કિનારામાં ગોવા, મુંબઈ, દિવ તેમજ કેરળનો દરિયા કિનારો લોકોને ખુબ જ આકર્ષે છે. જોકે આવી જ અનુભૂતી લોકોને હવે ગુજરાતમાં આવી રહી છે, ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સૌથી મોટા અને સુંદર દરિયા કિનારા આવેલા છે, જે અન્ય રાજ્યોના દરિયા કિનારાઓને ટક્કર આપે તેવા છે.
જેમાં પોરબંદરના માધવપુરનો રમણિય દરિયા કિનારો લાખો લોકોને આકર્ષે તેવો સુંદર અને નયનરમ્ય છે. વારે-તહેવારે અહીં હજારોની સંખ્યામાં સહેલાણીઓ આવે છે. ત્યારે ભાઈબીજના પવિત્ર તહેવારે અહીં હજારોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યાં હતાં. માઘવપુરની ચોપાટી લોકોને આકર્ષી રહી છે, અને દીન-પ્રતિદિન અહીં સહેલાણીઓની સંખ્યા વધી રહી છે.
મિની મથુરા બન્યું માધવપુર: એક શ્રદ્ધાળુએ જણાવ્યું હતું કે, માધવપુરમાં આવતા દરેક સહેલાણીઓ અનોખી માન્યતા ધરાવે છે, જેમાં ગોકુલ-મથુરાના દર્શન કર્યા બાદ યમુનાજીમાં જેમ સ્નાન કરવામાં આવે છે, તેવી જ રીતે માધવપુરના સમુદ્રમાં યમુનાજીમાં સ્નાન કર્યું હોય તેવી અનુભૂતિ થાય છે.
જોવા જેવું માધવપુર: મહત્વપૂર્ણ છે કે, માધવપુરમાં માધવરાયનું મંદિર આવેલું છે અને માધવરાયની હવેલી એ અનેક ભક્તો દર્શનાથે આવે છે, અહીં દર વર્ષે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્મણીના યોજાતા શુભ વિવાહનો પ્રસંગ દેશ-દુનિયામાં ખુબ પ્રચલિત છે. આ ઉપરાંત માધવપુર નજીક આવેલ ઓશો આશ્રમ પણ દેશભરમાં પ્રસિદ્ધ છે. આમ માધવપુરમાં સુંદર અને નયનરમ્ય દરિયા કિાનારા સાથે અહીં આવેલા સહેલાણીઓને માધવપુરની સુંદરતા, શાંતિ અને આસ્થાનો પણ ત્રિવેણી સંગમનો લાભ મળે છે.
પ્રવાસીઓ માટે સુવિધાનો અભાવ
માધવપુર બીચમાં ભાઈબીજના પર્વે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા, જોકે, અહીં પર્યાપ્ત સુવિધા ન હોવાથી અને સુવિધા ના નામે મીંડું જણાતા પ્રવાસીઓની મજા અધુરી રહી જાય છે. એટલે સુધી કે, અહીં પબ્લિક ટોયલેટ કે, પીવાના પાણીની પણ સુવિધા જોવા મળી ન હતી, ત્યારે સામાજિક સંસ્થાઓ દ્વારા પાણીનું વિતરણ અને નાસ્તા તથા શરબત અને ભોજનનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.