રાજકોટ: ધોરાજીમાં આવેલ ભાદર 2 ડેમ જુલાઈ માસના રૂરલ લેવલ મુજબ 100% ભરાઈ ચૂક્યો હોવાની માહિતીઓ સામે આવી રહી છે. ડેમના ઉપવાસમાં પડેલા વરસાદથી ભાદર 2 ડેમમાં નવા નીરની આવક જોવા મળી રહી છે. ધોરાજીના ભુખી ગામ નજીક આવેલ ભાદર 2 ડેમ જુલાઈ માસના રૂરલ લેવલ મુજબ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે. ભાદર 2 ડેમમાં 654 ક્યુસેક પાણીની આવક થઇ ગઇ છે અને હાલ સપાટી 52 મીટર પર પહોંચી ગઈ છે.
ભાદર 2 ડેમ 100 % સંપૂર્ણ ભરાયો છે: રૂરલ લેવલ મુજબ ડેમ ભરાઈ ચૂક્યો છે ત્યારે પાણીની આવક થશે તો તેમના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે, તેવી સિંચાઈ વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે. ભાદર 2 ડેમના નીચાણવાળા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે. ભાદર 2 ડેમના સેક્શન ઓફિસર ધ્રુવ મહેતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભાદર 2 ડેમ 100% ભરાઈ ચૂક્યો છે અને હાલ ડેમમાં પાણીની આવક વધશે તો તેમના દરવાજા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરીને ખોલવામાં આવશે.
નદીના પટ વિસ્તારોમાં ન જવાની તંત્રની સૂચના: ધોરાજી તાલુકાના ભોળા, ભોળગામડા, છાડવાવદર અને સુપેડી ગામને નદીના પટમાં ન જવા સૂચન કરાયું છે. આ સાથે ઉપલેટા તાલુકાના ડુમિયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ઈસરા, કુંઢેચ, ભીમોરા, ગાધા, ગધેડ, હાડફોડી, લાઠ, મેલી મજેઠી, નીલાખા, તલગણા ગામોના લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર નહિ કરવા તેમજ સાવચેત રહેવા અપાઈ સૂચનાઓ આપવામાં આવી છે.