અમદાવાદ : આગામી 7 ડિસેમ્બર, શનિવારના રોજ અમદાવાદમાં સ્થિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે BAPS સંસ્થાનો કાર્યકર્તા સુવર્ણ મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષથી આ કાર્યક્રમના આયોજન માટે તૈયારીઓ તડામાર ચાલી રહી છે.
BAPS કાર્યકર્તા સુવર્ણ મહોત્સવ : આ સમગ્ર કાર્યક્રમ અંગે BAPSના વિવેકજીવન સ્વામીએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું કે, સાતમી ડિસેમ્બરના રોજ 1 લાખથી વધુ સ્વયંસેવક કાર્યકર્તાઓનો સુવર્ણ મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે. આ પ્રથમ વખત હશે કે સ્વામી અને મહંતો સેવા આપશે અને સ્વયંસેવક કાર્યકર્તાઓ દર્શક બની સમગ્ર કાર્યક્રમ નિહાળશે.
30 દેશોના 1 લાખથી વધુ કાર્યકર્તાનો મેળાવડો : આ કાર્યક્રમમાં આફ્રિકા, UK, યુરોપ, અમેરિકા, કેનેડા સહિત 30 દેશોના પ્રતિનિધિ સ્વરૂપ કાર્યકર્તાઓ અહીં પોતાની હાજરી આપશે અને બધા દેશોના રાષ્ટ્રધ્વજ પણ લહેરાવવામાં આવશે.
PM મોદી અને CM પટેલ સહભાગી થશે : વિવેકજીવન સ્વામીએ વધુમાં જણાવ્યું કે, વર્ચ્યુઅલ માધ્યમથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સંબોધન કરશે તથા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પોતાની રૂબરૂ હાજરી આપી ઉદબોધન કરેશે.
‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ વિષયક પૂર્વતૈયારીઓ :
- છેલ્લા ત્રણ મહિનાથી કુલ 33 સેવાવિભાગો અને 10,000 જેટલા સ્વયંસેવકો સેવારત.
- ગુજરાત તેમજ ભારતના વિવિધ પ્રાંતમાંથી આવનાર કાર્યકરોના હજારો વાહનોના પાર્કિંગ માટે રિવરફ્રન્ટ આગળ સુંદર આયોજન.
- કાર્યકરોને પાર્કિંગ સ્થળ અને સ્ટેડિયમ સુધી પહોંચાડવા તથા ટ્રાફિક નિયમન કરવા સ્વયંસેવકો સજ્જ રહેશે.
- આશરે 75,000 જેટલા કાર્યકરો નિર્ધારિત ક્રમ અનુસાર સ્ટેડિયમમાં બપોરે 1 વાગ્યા સુધીમાં પોતાનું સ્થાન લઈ લેશે.
‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ ગ્રાન્ડ ફિનાલે કાર્યક્રમ વિષયક :
- એક લાખથી વધુ રજિસ્ટર્ડ કાર્યકરો
- વિશ્વના 30 દેશોમાં સેવારત BAPS કાર્યકરોનું થશે આગમન
- 2000 થી વધુ પર્ફોર્મન્સ
- BAPS સારંગપુર (બોટાદ), રાયસણ અને શાહીબાગ ખાતે છેલ્લા બે મહિનાથી ચાલતી તૈયારી.
- કાર્યક્રમમાં ઉપયોગમાં લેવામાં આવનાર પ્રોપર્ટીઝને ભારે રિસર્ચ બાદ બનાવવામાં આવી.
- રાયસણમાં 34 એકર જગ્યામાં વર્કશોપ ઊભું કરવામાં આવ્યું.
- મહંત સ્વામી મહારાજ, કેન્દ્રીય મંત્રી અમિત શાહ, સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓ, મહાનુભાવો રહેશે ઉપસ્થિત.
7 ડિસેમ્બર, શનિવાર સાંજે 5:00 થી 8:30 સુધી ચાલનાર આ રંગારંગ કાર્યક્રમની મુખ્ય થીમ ત્રણ વિભાગમાં અદ્ભૂત પ્રસ્તુતિ દ્વારા વ્યક્ત થશે :
- બીજ: છેલ્લા 100 કરતા વધુ વર્ષોથી આરંભાયેલી આ સ્વયંસેવક પરંપરાનું બીજારોપણ અને તેના પોષણની રજૂઆત આ વિભાગમાં થશે.
- વટવૃક્ષ: એક નાના બીજમાંથી વટવૃક્ષ બનેલી આ સ્વયંસેવક-સેવાઓ ભારત અને વિશ્વભરમાં કેવી રીતે વ્યાપી અને અનેક વિપરીત સંજોગોના વાવાઝોડા વચ્ચે પણ કર્તવ્યનિષ્ઠ રહેનાર કાર્યકરોની રોમાંચક ગાથાઓ આ વિભાગમાં પ્રસ્તુત થશે.
- ફળ: આ કાર્યકરોની નિસ્વાર્થ સેવાઓના મીઠા ફળ સમાજના કરોડો લોકો માણી રહ્યા છે, તેની દિલધડક પ્રસ્તુતિ આ વિભાગમાં માણવા મળશે.
આ રીતે માણો જીવંત પ્રસારણ : ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના ફક્ત રજિસ્ટર્ડ કાર્યકરો માટે જ સ્ટેડિયમની બેઠક વ્યવસ્થાની બધી જ ક્ષમતા આરક્ષિત કરવામાં આવી હોવાથી, દેશ-વિદેશના લાખો ભક્તો-ભાવિકો પોતાના ઘરે અથવા મંદિરોના સભાગૃહમાં જીવંત પ્રસારણ દ્વારા આ કાર્યક્રમને માણશે. live.baps.org તથા અન્ય પ્રસાર માધ્યમો દ્વારા આ કાર્યક્રમને ઘરે બેઠા માણી શકાશે.