બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાની વાવ પેટા ચૂંટણીમાં પાઘડીનું રાજકારણ શરૂ થઈ ગયું છે. વાવ પેટા ચૂંટણીના ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે પાઘડી ઉતારી સમાજ આગળ વોટ માંગ્યા હતા. જે બાદ હવે ધારાસભ્ય લવિંગજી ઠાકોરે પણ પાઘડી ઉતારી સ્વરૂપજી માટે વોટ માંગ્યા છે.
બનાસકાંઠા જિલ્લાની વાવ પેટા ચૂંટણી જાહેર થયા બાદ હવે કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ ઉમેદવાર વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. કોંગ્રેસમાં ગુલાબસિંહ રાજપૂત તો બીજી બાજુ ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર ગામેગામ પ્રચાર કરી રહ્યા છે. જોકે બંને પક્ષો વચ્ચે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડતા માવજીભાઈ પટેલે મુશ્કેલીઓ વધારી છે.
વાવ મતવિસ્તારમાં ઠાકોર સમાજનું વધુ પ્રભુત્વ હોવાના કારણે ઠાકોર સમાજના ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે પોતાને જીત અપાવવા માટે સમાજ આગળ પાઘડી ઉતારીને વોટ માગ્યા હતા. જે બાદ સાંસદ ગેનીબેન ઠાકોરે તેને ઈમોશનલ કાર્ડ બતાવ્યું હતું. સ્વરૂપજી ઠાકોરની પાઘડી ઉતારવા પર ગેનીબેન ઠાકોર નિવેદન બાદ અલ્પેશ ઠાકોરે પણ ગેનીબેન ઠાકોર સામે નિશાન સાધ્યું હતું.
અલ્પેશ ઠાકોરે કહ્યું કે, "અમુક લોકોને હું હોઉં તો જ સમાજ, બીજું ત્રીજું કોઈ નહીં, અને મને માતા આવે તો જ સાચી માતા અન્યને આવે તો ઢોંગ કરે છે." તે પ્રકારે અલ્પેશ ઠાકોરે સાંસદ ગેનીબેન ઠાકોર સામે આડકતરી રીતે પ્રહાર કર્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે, "સમાજનો દીકરો સમાજ આગળ પાઘડી નહીં ઉતારે તો ક્યાં ઉતારશે."
ત્યારબાદ હવે ધારાસભ્ય લવિંગજી ઠાકોરએ પણ સમાજ આગળ પાઘડી ઉતારી અને સ્વરૂપજી ઠાકોર માટે વોટ માગ્યા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, "23 તારીખે ડિસ્કો કરવાનો છે એટલે કે આપણે જીતીને ખુશી મનાવવાની છે."
આમ, વાવ પેટા ચૂંટણીમાં પાઘડીનું રાજકારણ હાલ ચાલી રહ્યું છે અને પાઘડીના નિવેદનો ઉપર નિવેદન સામે આવી રહ્યા છે. જો કે, સીટ કોણ જીતશે તે તો હવે સામે જ બતાવશે.
આ પણ વાંચો: