બનાસકાંઠા: પાલનપુરમાં સામાન્ય ઘરમાંથી આવતા યુવકે સી.એની પરીક્ષા પાસ કરીને પોતાના માતા-પિતાનું સપનું સાકાર કર્યું છે. પિતાએ ચા વેચીને અને માતાએ ટિફિન બનાવીને પુત્રને ભણાવવા માટે ખૂબ સંઘર્ષ કર્યો. એક સમયે દીકરાની ફી ભરવા માતા પોતાની કિડની વેચવા હોસ્પિટલ સુધી પહોંચી ગઈ હતી. જોકે એક ડોકટર ગરીબ પરિવારનો આધાર બનતા આજે કઠિન સંઘર્ષ બાદ વિજય નામના યુવકે સીએની પરીક્ષા પાસ કરતા પરિવારની આંખોમાં હર્ષના આંસુ લાવ્યા છે. ગરીબ દીકરાની સીએ બનવા સુધીની સફર અને સંઘર્ષ ભરી કહાની જાણો અમારા વિશેષ અહેવાલમાં.
વિજયના પિતા 30 વર્ષથી ચા વેચે છે
પાલનપુરના ઢુંઢિયાવાડી વિસ્તારમાં રહેતા વિજય ઠાકોર નામના યુવકે હાલમાં જ CAની પરીક્ષા પાસ કરી છે. વિજયના પિતા છેલ્લા ત્રીસ વર્ષથી ચાની લારી પર ચા બનાવે છે જ્યારે માતા ટિફિન બનાવીને પરિવારમાં આર્થિક મદદ કરી રહી છે. વિજયનો નાનો ભાઈ ધોરણ 12માં અભ્યાસ કરે છે. ત્યારે નજીવી આવકથી મોંઘવારીમાં પરિવારનું ગુજરાન ચલાવવુ ખુબજ મુશ્કેલ બની રહ્યું હતું. છતાં પુત્ર ભણી ગણીને આગળ વધે તે માટે માતા પિતાએ વ્યાજે પૈસા લઈને પણ વિજયને ભણાવ્યો છે.
માતાએ ટિફિન કરીને ફીને પૈસા ભેગા કર્યા
ખાસ છે કે સીએનો અભ્યાસ પાંચ થી છ વર્ષનો હોય છે અને મોઘીદાટ ફી અને મોંઘા કોચિંગ કલાસ પણ કરવા પડતા હોય છે. એક તરફ ગરીબી હતી તો બીજી તરફ કંઈક બનવાનું સપનું લઈને ફરતા વિજયનો જુસ્સો હતો. એવામાં માતા-પિતાએ પુત્રને કંઈક બનાવવા અને તેનું ભવિષ્ય સવારવા માટે રાત દિવસ મહેનત કરી. માતાએ વધુમાં વધુ ટિફિન બનાવીને લોકોને જમાડી પૈસા ભેગા કર્યા તો પિતાએ દવાખાને આવતા લોકોને ચા પીવડાવી પૈસા ભેગા કરીને ફી ભરી. જોકે દર વર્ષે લાખોની ફી ભરવા માટે પૈસા ન હોવાથી માતા પિતાએ પોતાના ઘરેણા વેચ્યા અને ઘરમાં રાખેલું સિલાઈનું મશીન વેચ્યું. તેમ છતાં પૈસા ખૂટતા ઘરના વાસણો પણ વેચી દીધા.
ફી માટે કિડની વેચવા સુધી વાત પહોંચી
સીએનો અભ્યાસ કરતો વિજય ધીરેધીરે આગળ વધતો ગયો અને રજાઓમાં પિતાની લારી પર પહોંચી મદદ કરતો. દિવસો વિતતા રહ્યા અને ફરી એકવાર ફી ભરવાનો વારો આવ્યો ત્યારે સમાજમાંથી કોઈ જ આગળ ન આવ્યું અને પૈસા ન મળતા અને પુત્રનુ સપનું તૂટતું જોઈ માતાથી રહેવાયું નહીં અને આખરે માતાએ પોતાની કિડની વેચવા માટેનો નિર્ણય લીધો. એટલું જ નહીં માતા કિડની વેચવા માટે ખાનગી હોસ્પિટલ સુધી પણ પહોંચી ગઈ. વિજયના ભણવા માટે અઢી લાખ રૂપિયાની જરૂર હતી ત્યારે કીડની ખરીદનાર ડોક્ટરે પણ જાણે માનવતા મૂકી દીધી હોય તેમ ગરીબ માતાની કિડનીની કિંમત પણ ખૂબક ઓછી આંકી અને માત્ર કિડનીના એક લાખ રૂપિયા આપવાની વાત કરી. જેથી માતાએ કિડનીના અઢી લાખ માંગતા ડોક્ટરે અઢી લાખ આપવાની ના પાડી. ત્યારે માતા વિલા મોઢે મજબુર થઈને પરત ફરી હતી જે દુઃખની વાત કરતા આજેય માતાના આંખમાં આંસુ આવી જાય છે.
કોરોનામાં મિત્રોએ પુસ્તક આપી, Youtubeને ગુરુ બનાવ્યું
જોકે આ ગરીબીમાં પડતા ઉપર પાટુ ત્યારે પડ્યું જ્યારે કોરોના કાળ આવી પડ્યો અને આ કોરોના કાળમાં બધું જ ઠપ્પ થઈ ગયું અને માતાપિતાને પુત્રની ફી ભરવી મુશ્કેલ બની ગઈ. ત્યારે ઓનલાઇન ક્લાસીસની મોંઘીદાટ ફી ભરવા માટે પૈસા ન મળતા વિજય ઠાકોરે સીએનો અભ્યાસ અધવચ્ચે જ છોડવાનો વિચાર કરી લીધો. પરંતુ તેવામાં તેના મિત્રોએ પુસ્તકો આપી અને તેને હિંમત આપી જોકે આ સમયે Youtube પણ એક ટીચર તરીકે વિજય ઠાકોરનો સહારો બન્યું અને વિજયે youtube ના સહારે સીએનો અભ્યાસ કોરોના કાળમાં પણ ચાલુ રાખ્યો. અને આખરે વિજય ઠાકોરે પોતાની સંઘર્ષની કેડી પાર પાડી માતા-પિતાના સપના અને પોતાના સપના સીએની પરીક્ષા પાસ કરીને આખરે પૂરા કરી દીધા છે.
દીકરાની સફળતાથી માતા-પિતાની આંખમાં ખુશીના આંસુ
જોકે આગળ જતા સમાજના લોકોને વિજય ઠાકોર ભણવામાં તો હોંશિયાર છે, પરંતુ ગરીબીના કારણે આ ગરીબ દીકરાનું સપનું રોળાય તેવી પરિસ્થિતિ ધ્યાને આવતા છે ડોક્ટર જગદીશ ઠાકોરે વિજય ઠાકોરને અને તેના માતા પિતાને મળવા બોલાવ્યા અને કહ્યું કે, તમારા પુત્ર માટે જે કોઈ મારાથી આર્થિક મદદ થશે તે હું કરવા તૈયાર છું અને ડો.જગદીશ ઠાકોરની આર્થિક મદદની હૈયાધારણા મળતા માતા પિતા અને વિજયની આંખો હર્ષથી ભરાઈ આવી. અને સપનું હવે પૂરું થશે તેવી આશાઓ બંધાઈ તે બાદ ડોક્ટર જગદીશ ઠાકોર અને તેમના મિત્રોના આર્થિક સહયોગથી વિજય ઠાકોર ફરી એકવાર ભણવામાં પોતાનું મન બનાવી લીધું અને ગરીબીના આ દાહડા નીકળી ગયા. આજે આ વિજય ઠાકોરે સીએની પરીક્ષા પાસ કરી લીધી છે. ત્યારે ડોક્ટર જગદીશ ઠાકોરે તેને શુભેચ્છાઓ પાઠવી અને વિજય ઠાકોરએ પણ ગરીબી સમયે આર્થિક મદદરૂપ થનાર આ ડોક્ટરના આશીર્વાદ લીધા હતા.
આ પણ વાંચો: