બનાસકાંઠાઃ ધાનેરામાં સાંસદ ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારોહ યોજાયો. સાંસદ બન્યા બાદ ગેનીબેને પ્રથમ વાર ધાનેરા તાલુકાની મુલાકાત લીધી હતી. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિત આગેવાનો કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યકર્તાઓએ ગેનીબેનને હરખભેર મામેરાની માતર ખવડાવી હતી. ગેનીબેન ઠાકોરે કાર્યકર્તાઓને હાકલ કરી કે જાતિવાદ અને કોમવાદ રાજકારણમાંથી ઉખાડી ફેંકી દો.
ગેનીબેને કરી હાકલઃ સાંસદ બન્યા બાદ ગેનીબેન ઠાકોર હાલ બનાસકાંઠાના વિવિધ તાલુકા મથકની મુલાકાત અને સત્કાર સમારોહમાં હાજરી આપી રહ્યા છે. આજે ધાનેરા તાલુકા ખાતે પણ ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. ગેનીબેન ઠાકોરે કાર્યકર્તાઓને હાકલ કરી હતી કે, જાતિવાદને રાજકારણમાંથી ઉખાડી ફેંકો. જાતિવાદને રાજકારણમાં કોઈ સ્થાન હોવું ના જોઈએ. જો કે દરેક સમાજે એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના મને ચૂંટણી જીતાડી છે. હજૂ સુધી ભાજપને આ હાર પચતી નથી. એ લોકોને અફસોસ એ બાબતનો છે કે આટલું ખોટું કર્યુ, આટલા ખર્ચા કર્યા છતાં પણ હાર્યા છે. આ ચૂંટણીમાં ખોટું થયું છે.
અન્યાયની વિરુદ્ધ લડવા મક્કમઃ ગેનીબેન ઠાકોરે દાવો કર્યો કે, જે વ્યક્તિ કે સમાજ કોમવાદ કરશે તે તેના પગમાં જ આવશે. કોમવાદ ની જગ્યાએ પક્ષને ચલાવો તેવું સૂચન પણ કર્યુ હતું. વહીવટી તંત્ર તમારી સાથે ખોટું કરશે તો અમે તમારી સાથે રહીને લડશું તેની ખાતરી પણ આપી હતી. અન્યાય સામે લડવું એનું નામ જ ગેનીબેન ઠાકોર. સાથે સાથે ગેનીબેન ઠાકોરે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ચૂંટણીમાં કાર્યકર્તાઓને કમર કસી તૈયાર રહેવા હાકલ કરી છે. એક જૂથ થઈ અને તાલુકા અને જિલ્લા પંચાયત પણ કોંગ્રેસની બને તેવા પ્રયાસ કરવા અપીલ કરી હતી.