બનાસકાંઠા: કદાચ તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય કે નવ દિવસ ભોજન વગર કોઈ યુવક એક પગે ઊભા રહી માતાજીની અનોખી ભક્તિ કરતો હોય, પરંતુ આવો યુવક બનાસકાંઠામાં છે. જે યુવક છેલ્લા 24 વર્ષથી નવરાત્રીના નવ દિવસ માતાજીની અનોખી ભક્તિ કરે છે. અને એ પણ પોતાના માટે નહીં પરંતુ જન કલ્યાણ માટે. રાત દિવસ માતાજી સમક્ષ જાપ કરે છે.
18 વર્ષની ઉંમરથી માતાજીની આરાધના: આ યુવકનું નામ છે સુરેશભાઈ જેઓ પાલનપુર તાલુકાના દલવાડા ગામના રહેવાસી છે. સુરેશભાઈના પિતા નાનપણથી જ ભક્તિ અને ધર્મ પ્રત્યે અનેરી શ્રદ્ધા ધરાવે છે. ત્યારે સુરેશભાઈ પણ પિતાના પગલે ચાલીને 18 વર્ષની ઉંમરથી માતાજીની ભક્તિ કરવાનું મન બનાવી લીધું અને એ પણ એવું કે આજ સુધી માતાજી પ્રત્યેની તેમની આસ્થા ડગી નથી. આમ તો સુરેશભાઈ કડિયા કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, પરંતુ જ્યારે નવરાત્રી આવે ત્યારે તેઓ કામ બંધ કરી નવરાત્રીના નવ દિવસ માતાજીની ભક્તિમાં લગાવી દે છે.
માત્ર પાણી-ચા પીને 9 દિવસના ઉપવાસ: સુરેશભાઈ નવરાત્રિના પહેલા દિવસથી જ ખાવાનું છોડી દે છે અને માત્ર ચા અને પાણી ઉપર તેઓ 9 દિવસના ઉપવાસ શરૂ કરી દે છે અને રાત દિવસ માત્ર એક પગ ઉપર ઊભા રહી તેઓ માતાજીના જાપ કરી અનુષ્ઠાન કરે છે. માતાજીની સમક્ષ રાત-દિવસ એક પગે ઊભા રહી પ્રાર્થના કરતા સુરેશભાઈ માત્ર પોતાના જ પરિવારનું નહીં પરંતુ વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરે છે. તેમણે કહ્યું કે, દેશમાં બધાનું જ સારું થાય બધાનું જ કલ્યાણ થાય તેવી હું માતા સમક્ષ પ્રાર્થના કરું છું.
પરિવાર નહીં સમાજના કલ્યાણ માટે પ્રાર્થના: પોતાના પુત્રની અનોખી ભક્તિ જોઈ માતા-પિતા પણ સુરેશભાઈ પર માતાજીની અસીમ કૃપા બની રહે તેવા આશીર્વાદ સદાય આપી રહ્યા છે. સુરેશભાઈના માતાએ કહ્યું કે, મારો પુત્ર 18 વર્ષની ઉંમરથી માતાજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે, અને પરિવાર માટે જ નહીં પરંતુ સૌ કોઈનું કલ્યાણ થાય તેવા આશય સાથે વિશ્વ કલ્યાણ માટે તે માતાજી સમક્ષ એક પગે ઊભા રહી પ્રાર્થના કરે છે. અમે પણ અમારા પુત્રની આ અનોખી ભક્તિ સાથે તેની સેવા કરી ભક્તિમાં તેને સંપૂર્ણ સહયોગ આપીએ છીએ. તેમજ માતાજીની કૃપાથી અમારા પરિવારમાં સૌ સુખી સંપન્ન છીએ અને અમને ખુશી છે કે મારો પુત્ર દેશ માટે આવી ભક્તિ કરી રહ્યો છે. ભગવાન સૌનું સારૂ કરે.
24 વર્ષથી કરે છે અનુષ્ઠાન: દલવાડા ગામના ગ્રામજનો પણ સુરેશભાઈની અનોખી ભક્તિની પ્રશંસા કરી થાકતા નથી. ગામના લોકોએ કહ્યું કે, સુરેશભાઈ એક પગે ઊભા રહી અન્નનો એક પણ દાણો મોઢામાં મુકતા નથી, માત્ર ચા અને પાણી ઉપર તેઓ નવ દિવસના ઉપવાસ કરી માતાજીને રિજવવા માટે છેલ્લા 24 વર્ષથી આ જ રીતે અનોખી ભક્તિ કરી રહ્યા છે. આજના આધુનિક યુગમાં લોકો ડીજેના તાલે ગરબે ઘૂમી માતાજીની આરાધના કરતા હોય છે. જો કે સુરેશભાઈએ એક પગે ઊભા રહી નવરાત્રીના નવ દિવસ માતાજીની કંઈક અલગ જ ભક્તિ કરવાનું વિચાર્યું અને તેઓ આજેય પોતાની ભક્તિ પર અડગ રહ્યા છે. તેમની ભક્તિમાં તેમનો પરિવાર પણ સાથ આપી રહ્યો છે ત્યારે ખરેખર સુરેશભાઈની આ ભક્તિએ સાચી ભક્તિ અન્ય માટે એક મોટું ઉદાહરણરૂપ છે.
આ પણ વાંચો: