સુરત: આજે હવામાન વિભાગની આગાહી અનુસાર વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો. તાપમાનનો પારો સડસડાટ નીચે ગગડ્યો અને વાતાવરણ વાદળછાયુ બની ગયું. ધૂળની ડમરીઓ ઊડી અને વરસાદ પણ ખાબક્યો. વાતાવરણના આ પલટાની પ્રતિકુળ અસરો હવાઈ ઉડ્ડયનને પણ થઈ છે. મુંબઈ જનાર 6 ફ્લાઈટ સુરત ડાયવર્ટ કરાઈ હતી.
6 ફ્લાઈટ સુરત ડાયવર્ટ કરાઈઃ મહારાષ્ટ્ર ખરાબ હવામનની અસર ફ્લાઈટના આવાગમન પર પડી છે. ખરાબ હવામાનના કારણે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થનારી 6 ફ્લાઈટ સુરત ડાયવર્ટ કરાઈ હતી. જોધપુરથી મુંબઈની ફ્લાઈટ સુરત એરપોર્ટ પર લેન્ડ કરાઈ હતી. 5થી 6 ફ્લાઈટે સુરત એરપોર્ટ પર લેન્ડ કરવા માટે ગ્રીન સિગ્નલની રાહ જોવી પડી હતી. જોકે મુંબઈના વાતાવરણમાં સુધાર થતા ફરીથી આ ફ્લાઈટને મુંબઈ તરફ ડાઈવર્ટ કરી દેવાઈ છે.
4 સિવિલ અને 2 ચાર્ટર્ડ ફ્લાઈટઃ મુંબઈમાં વરસાદ અને વાવાઝોડાને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું અને પરિવહન સેવાઓ પણ પ્રભાવિત થઈ હતી. મુંબઈ એરપોર્ટ પર ફ્લાઈટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. મુંબઈ એરપોર્ટ જનાર ફ્લાઇટને સુરત ડાયવર્ટ કરવામાં આવી હતી. જેમાં 4 સિવિલ અને 2 ચાર્ટર્ડ ફ્લાઈટનો સમાવેશ થાય છે. આશરે 2 કલાક સુધી આ ફ્લાઈટ સુરત એરપોર્ટ પર હતી. યાત્રીઓને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય આ માટેની પણ તકેદારી લેવામાં આવી હતી.
ડાયવર્ટ થયેલી ફ્લાઈટઃ
6E2676 BEK-BOM A320
6E5184 JDH-BOM A321
6E5227 CCU-BOM A321
6E2676 DEL-BOM A321
પ્રતિકુળ હવામાનની પણ મોજઃ અચાનક જ વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. બીજી તરફ ઘણા લોકો એવા છે જેઓ આ વરસાદની મજા માણી રહ્યા છે. પોતાની ખુશી પણ સોશિયલ મીડિયામાં વ્યક્ત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એવી ઘણી તસવીરો અને વિડીયો જોઈ શકાય છે જેમાં ધૂળની ડમરીઓ ચાલી રહી છે. આ બદલાયેલા હવામાન પર લોકો મીમ્સ બનાવીને પણ પોસ્ટ કરી રહ્યા છે.