સુરત: છેતરપીંડીના ગુનાના ફરિયાદી વેપારીના ભાગીદાર વિરૂદ્ધ મુંબઈ ખાતે છેતરપીડીનો ગુનો દાખલ થયો હતો. જે અંતર્ગત સુરત ક્રાઈમ બ્રાંચના ઈકો સેલના એ.એસ.આઈ. સાગર સંજય પ્રધાને ફરિયાદી અને તેના ભાગીદારને પકડી પાડ્યા હતા અને તેમની જવેલરીની ઓફિસમાંથી લેપટોપ, ડીવીઆર, કંપનીના દસ્તાવેજો તેમજ ડાયમંડ પણ કબજે કર્યા હતા. ત્યારબાદ એએસઆઈ સાગર પ્રધાને ભાગીદારને મુંબઈ પોલીસને સોંપ્યો હતો અને ફરિયાદી વેપારીને છોડવા તેમજ ઓફિસમાંથી લઈ આવેલ માલ સામાન પરત આપવા અવેજ પેટે રૂ.15 લાખની લાંચ માગી હતી. ત્યારબાદ તેઓની વચ્ચે 15 લાખમાંથી 5 લાખ મંગળવારે આપવા નક્કી થયું હતું. ઉત્સવ પ્રધાન લાંચની રકમ લેવા માટે આવ્યો હતો.જો કે ફરિયાદીને લાંચ આપવી ન હતી. જેથી સુરત એસીબીમાં આ અંગે ફરિયાદ કરી હતી.
ભાઈને લાંચની રકમ લેવા મોકલ્યો: સુરત એસીબીના પીઆઈ બી.ડી. રાઠવા અને તેમના સ્ટાફે ટ્રેપ ગોઠવી હતી. એ.એસ.આઈ સાગર પ્રધાને તેના ભાઈ ઉત્સવ સંજય પ્રધાનને લાંચની રકમ લેવા મોકલ્યો હતો. જેથી ફરિયાદીના કહેવા મુજબના સ્થળે કતારગામ અલકાપુરી સર્કલ બ્રીજ નીચે ઉત્સવ પ્રધાન લાંચની રકમ લેવા માટે આવ્યો હતો.
સાગર પ્રધાનની પણ તપાસ શરૂ કરી: એન્ટીકરપ્શન બ્યુરોના એસીપી આર.આર. ચૌધરીએ જણાવ્યું હતું કે,ફરિયાદી પાસેથી રૂ. 5 લાખની લાંચ લેતા એસીબીએ તેને પક્ડી પાડ્યો હતો. એસીબીની પુછપરછમાં તેના ભાઈ એએસઆઈ સાગર પ્રધાને લાંચની રકમ લેવા માટે મોકલ્યો હોવાની કબુલાત કરી હતી. સુરત એસીબી પોલીસે સાગર પ્રધાનની પણ તપાસ શરૂ કરી હતી.