મહીસાગર: દર વર્ષે લોકો ઉનાળાની સિઝનમાં સૌથી વધુ પ્રિય ફળ એવાં કેરીની આતુરતાથી રાહ જોવાતી હોય છે. એપ્રિલ માસની શરૂઆત થતાં જ બજારોમાં કેરી વેચાણ માટે આવવા લાગે છે. પરંતુ ખરી સિઝન મેં મહિનાથી શરૂ થાય છે અને જૂન માસનાં ઉતરાર્ધ સુધી ચાલે છે. કેસર કેરી વર્ષોથી વખણાય છે. પરંતું મહીસાગરના બજારોમાં હજુ તેનું આગમન થયું નથી. કેસર સિવાય રાજાપુરી, હાફૂસ, લંગડો, બદામ, કચ્છી, વલસાડી, હાફૂસ સહિતની કેરીની જાત પણ સમયાંતરે મહીસાગરના બજારમાં વેચવા માટે આવે છે. હાલમાં વધતી જતી મોંઘવારીને કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘુ બનવા સાથે વારંવાર થતાં માવઠાઓ જેવી પરિસ્થિતિને પગલે કેરીના ભાવ વધુ રહે છે. હાલમાં બાલાસિનોરમાં 90 ₹ થી લઈને 100 ₹ પ્રતિકિલોના ભાવે બદામ કેરીનું વેચાણ થઈ રહ્યું છે.
કેરીનો ભાવ 90 થી 100 પ્રતિકિલો: મહીસાગરના બજારોમાં હાલમાં બદામ કેરીની આવક સામાન્ય કરતાં ખુબ જ વધુ છે અને લોકો હોંશે હોંશે 90 થી 100 ના પ્રતિકિલોના ભાવે કેરી ખાઈ રહ્યા છે. છેલ્લા અઠવાડિયાથી મહીસાગરના ફ્રુટ બજારમાં બદામ કેરીની આવક થઈ રહી છે. જ્યારે તોતા કેરીની આવક પણ દર વર્ષ કરતાં વહેલી અને વધુ આવી રહી છે. તોતા કેરીનો ભાવ પ્રતિકિલો 50 રૂપિયામાં પડે છે. બીજી તરફ કેસર કેરીની આવક ઓછી છે. અઠવાડિયા બાદ કેસર કેરીની આવક થતાં તેના ભાવમાં વધારો થવાની શકયતા સ્થાનિક વેપારીઓ સેવી રહ્યા છે.
ગયા વર્ષ કરતાં ભાવ વધુ: બાલાસિનોરના ફ્રૂટ વેપારી અશોક જણાવે છે કે, અત્યારે કેરીની બહું સિઝન નથી, બદામ, તોતા વેચાય છે. બદામ કેરી વધારે વેચાય છે, બદામ કેરીનો ભાવ 90 થી 100 રૂપિયા ચાલે છે. તોતાનો 50 થી 60 રૂપિયા ચાલે છે. ગયા વર્ષ કરતાં 10-20 રૂપિયા ભાવ વધારે છે. જેમ જેમ સિઝન આવશે તેમ ભાવ ઘટશે. જેમ કેરીની આવક ઓછી થશે તેમ કેરીનો ભાવ વધશે. બીજી કેરીઓમાં રત્નાગિરી હાફુસ, કેસર, તોતાપુરી, લાલબાગ, લંગડો અને દેશી અને બદામ કેરી વેચાય છે. દેશી કેરીની સિઝનમાં દશ પંદર દિવસની વાર છે, દેશી આવે તો વધારે દેશી જ વેચાય.