કચ્છ : વર્ષોથી જળકુંભી અને ગટરના પાણીથી ભરાયેલા રહેતા ભુજના દેસલસર તળાવની હાલત દયનીય છે. હાલ દેસલસર તળાવમાં ફરી એકવાર જળકુંભીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. સમગ્ર તળાવમાં ફરી એકવાર ઝેરી વનસ્પતિ જળકુંભીનો પેસારો થઈ ગયો છે. આ બાબતે વિપક્ષ દ્વારા ભુજ નગરપાલિકા તંત્રના સત્તાધીશો સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે.
દેસલસર તળાવની ખસ્તા હાલત : ભુજમાં આવેલ રાજાશાહી સમયના ઐતિહાસિક દેસલસર તળાવની ભારે અવદશા જોવા મળી રહી છે. ભુજ નગરપાલિકા દ્વારા દેશલસર તળાવના બ્યુટીફીકેશન માટે મોટી વાતો અને જાહેરાત કરવામાં આવી હતી. ભુજ નગરપાલિકા દ્વારા દિલ્હીની સંસ્થાની મદદથી તળાવમાંથી જળકુંભી દૂર કરવામાં આવી હતી. જોકે હાલ તળાવમાં ફરીવાર જળકુંભી ઉગી નીકળતા ભુજની જનતામાં રોષની લાગણી ફેલાઈ છે.
ભુજ નગરપાલિકા દ્વારા તળાવની સફાઈ પાછળ 55 લાખ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેમ છતાં આજે દેશલસર તળાવ દયનીય સ્થિતિમાં છે. -- કાસમ સમા (વિપક્ષ નેતા, ભુજ નગરપાલિકા)
પાલિકા તંત્ર પર વિપક્ષનો આક્ષેપ : ભુજ નગરપાલિકા વિરોધ પક્ષના નેતા કાસમ સમાએ જણાવ્યું કે, ભુજ નગરપાલિકા દ્વારા તળાવની સફાઈ પાછળ 55 લાખ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેમ છતાં આજે દેશલસર તળાવ દયનીય સ્થિતિમાં છે. વિપક્ષે પૂર્વ નગરપતિ અને પૂર્વ કારોબારી ચેરમેન પર ભ્રષ્ટાચારના આક્ષેપ પણ કરતા કહ્યું કે, તળાવમાં જળકુંભી અને ગટરના પાણીના કારણે સ્થાનિક લોકો પરેશાન છે. દૂષિત તળાવના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિ છે. કોંગ્રેસ દ્વારા તળાવની સફાઈને લઈને કલેકટરને રજૂઆત પણ કરવામાં આવી છે. આગામી દિવસોમાં તળાવ બાબતે કોઈ નક્કર કામગીરી નહીં કરવામાં આવે તો કોંગ્રેસના નગરસેવકો અનોખો વિરોધ પણ નોંધાવશે.
પૂર્વ પ્રમુખ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. પરંતુ જળકુંભીના મૂળિયાં ફરી રહી ગયા હશે, જેના કારણે ફરીથી જળકુંભીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. -- રશ્મિબેન સોલંકી (પ્રમુખ, ભુજ નગરપાલિકા)
ભુજ પાલિકા પ્રમુખનો ખુલાસો : ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકીએ જણાવ્યું હતું કે, પૂર્વ પ્રમુખ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. પરંતુ જળકુંભીના મૂળિયાં ફરી રહી ગયા હશે, જેના કારણે ફરીથી જળકુંભીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. વહેલી તકે દેશલસર તળાવની શોભા પાછી લાવવા માટે ભુજ નગરપાલિકાના તમામ સભ્યો દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે. રુ. 55 લાખના બિલના ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે તેનું હજુ સુધી ચુકવણું કરવામાં નથી આવ્યું.